- ગાંધીનગર કોર્પોરેશનનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું
- બજેટ મુદ્દે થશે હવે સામાન્ય સભામાં ચર્ચા
- 345 કરોડના બજેટને રિવાઇઝ કરીને 360 કરોડનું કરવા મુદ્દે થશે ચર્ચા
ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2021-22નું બજેટ પસાર કરવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટ બાદ ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટ પાસ કરવામાં આવ્યું છે. જેમાં 17 જેટલી મહત્વની જોગવાઇઓ મૂકવામાં આવી છે. હવે આગામી સમયમાં સામાન્ય સભામાં બજેટ મુદ્દે ચર્ચાઓ થશે અને ત્યારબાદ બજેટ ફાઇનલ કરવામાં આવશે.
સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બજેટમાં કરવામાં આવેલ મહત્વના નિર્ણયો
- ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવાગામમાં પાયાની સુવિધાઓ માટે 6 કરોડની જોગવાઈ
- પેથાપુર ખાતે લાયબ્રેરી કોમ્યુનિટી હોલ તેમજ અન્ય સુવિધાઓ માટે 5 કરોડની જોગવાઈ
- ગાંધીનગરમાં સરલ સમરસ હોસ્ટેલ બનાવવા માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ
- કોર્પોરેશન વિસ્તારના બગીચાઓ અને નર્સરી વિકસાવવા તેમજ નવીનીકરણ માટે 2.10 કરોડની જોગવાઈ
કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સફાઈની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવશે
ગાંધીનગર કોર્પોરેશનના વિસ્તારમાં વધારો થતાં નગરસેવકોની સંખ્યામાં વધારો થવાનો છે, જેને ધ્યાનમાં લઇને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સભાસદોના સૂચનોના કામો કરવા 1.5 કરોડની જોગવાઈ કરાઈ છે. કોર્પોરેશન દ્વારા અંદાજિત 150 ટન જેટલો કચરો દૈનિક ઉપાડવાનું પ્લાનિંગ કરી આ અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ બાબતે બજેટમાં 2.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સફાઈની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
રંગમંચનો આધુનિકરણ તેમજ નવીનીકરણ માટે 1 કરોડની જોગવાઈ
રંગમંચનો આધુનિકરણ તેમજ નવીનીકરણ માટે 1 કરોડની જોગવાઈ તેમજ નવા પે યુઝ ટોયલેટ અને જાહેર શૌચાલય બનાવવા માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી છે, આ ઉપરાંત શહેરની સગર્ભા મહિલાઓની વહેલી નોંધણી તથા પ્રસૂતી અને ધાત્રી માતાઓને આહાર અને બાળકોનું સંપુર્ણ રસીકરણ તથા મચ્છરદાની સહાય માટે 30 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. કોરોનાની કામગીરીમાં લોકડાઉન દરમિયાન તમામ કાયમી અધિકારી તથા કર્મચારીઓ તથા ફિક્સ પગારના હાજર રહેલા કર્મચારીઓને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ઉચ્ચ સહન
- વર્ગ-1ના અધિકારીઓને 20,000
- વર્ગ-2ના અધિકારીઓને 15,000
- વર્ગ-3ના કર્મચારીઓને 2000
- વર્ગ-4ના કર્મચારીઓને 5000 આ માટે ગાંધીનગર કોર્પોરેશનને 20 લાખ રૂપિયાનો બોજો આવશે.
કોરોનાની રસી નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે 30 લાખ રૂપિયાની જોગવાઈ
કોરોનાની રસી ગાંધીનગરના તમામ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે માળખું ઊભું કરવા 30 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આકસ્મિક રોગચાળા સામે રાહત ખર્ચે અગાઉ 20 લાખ રૂપિયા હતા તેને વધારી 50 લાખ રૂપિયા કરવામાં આવ્યાં છે. ગાંધીનગર કોર્પોરેશનની આરોગ્ય શાખા હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં પેથોલોજી મશીન માટે રૂપિયા 20 લાખની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પ્રસુતિગૃહ નવીનીકરણ માટે 9 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
કોર્પોરેશનના કાઉન્સિલરોને રૂપિયા 13.50 લાખની ગ્રાન્ટ મળવા પાત્ર
નવા સમાવિષ્ટ ગામોમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવા માટે રૂપિયા 2 કરોડની જોગવાઈ, શહેરની પ્રાથમિક શાળાઓમાં જુનિયર કેજી તથા સિનિયર કેજી માટે ગ્રીન ક્લાસ રૂમ બનાવવા માટે નવીન 5 લાખ રૂપિયાની ફાળવણી, કોર્પોરેશનના કાઉન્સિલરની ગ્રાંટમાં રૂપિયા 1 લાખની વધારાની જોગવાઇ કરાઈ છે. આમ હવે ગાંધીનગર કોર્પોરેશનના કાઉન્સિલરોને રૂપિયા 13.50 લાખની ગ્રાન્ટ મળવા પાત્ર થશે.
કોઈ નવા ટેક્સ નહીં
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, આ વર્ષેના બજેટમાં ગાંધીનગરના નવા વિસ્તારોમાં સભાનપણે વિકાસ થાય તે રીતનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે એક પણ કરવેરા નાગરિકો ઉપર મૂકવામાં નથી આવ્યા. તેમજ કરવેરામાં વધારો કરવામાં નથી આવ્યો.