- પીએમ મોદી આવી શકે છે ગુજરાતની મુલાકાતે
- સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
- 8 હજાર કરોડના ખર્ચે થઈ રહ્યો છે પ્રોજેકટ
- અમદાવાદ સાયન્સ સિટી અને ગાંધીનગર હોટેલ લીલાની લઈ શકે છે મુલાકાત
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદના સાયન્સ સિટી અને ગાંધીનગરની રેલવે સ્ટેશન પર તૈયાર કરેલ ફાઈવ સ્ટાર હોટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. જ્યારે હવે શિક્ષણ વિભાગના ઉચ્ચ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવીને શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં 8000 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ( School of Excellence ) નામના પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે..
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં થઈ રહ્યો છે પ્રોજેક્ટ
સ્કૂલ ઓફ સાયન્સ પ્રોજેક્ટ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર ખાસ 8,000 કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સનો ( School of Excellence ) પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેકટની જો વાત કરવામાં આવે તો રાજ્યની 20 હજાર પ્રાથમિક શાળાઓ અપડેટ કરીને સ્કૂલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે..
કઈ રીતે કાર્ય કરશે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ
પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો રાજ્યની 20000 સરકારી પ્રાથમિક શાળાઓ અપગ્રેડ કરીને સ્કૂલ ઓફ એક્સલન્સ ( School of Excellence ) પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં તાલુકા દીઠ 4 સ્કૂલોનો સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ ક્લસ્ટર દીઠ 10 સ્કૂલનો સમાવેશ કરવામાં આવશે જોકે પ્રથમ 1000 દિવસમાં દસ હજાર સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સલન્સ સાથે જોડાણ કરવામાં આવશે. ત્યારબાદ 500 દિવસમાં અન્ય દસ હજાર જેટલી સ્કૂલોને આ પ્રોજેક્ટ હેઠળ સમાવવામાં આવશે.
કમાન્ડ એન્ડ કંટ્રોલનું કામ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે થોડાક દિવસ પહેલાં જ રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના કાર્યની જો વાત કરવામાં આવે તો સ્કૂલ ઓફ એક્સલન્સના ( School of Excellence ) માધ્યમથી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં બેઠા બેઠા વિદ્યાર્થીઓની હાજરી સહિત સ્કૂલોની પરિસ્થિતિ અને શિક્ષકોની કામગીરી અને BRC, CRC સહિત ફિલ્ડમાં કામ કરતાં શિક્ષકોની હાજરી ઓનલાઈન જોઈ શકાશે. આ સિવાય શાળામાં વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યા તેમની એકમ અને પૂરક પરીક્ષા તથા પરીક્ષાના પેપર સહિતની તમામ કામગીરી સરળ અને ઓનલાઈન બની જશે. જ્યારે આ સ્કૂલ ઓફ એક્સલન્સમાં વિદ્યાર્થીઓને ભણાવવાની પદ્ધતિ સહિત તેમને અન્ય પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસમાં જે શીખવાડવામાં આવે છે તેના કરતાં વધુ સારા કન્ટેન સાથેનું ઈ-લર્નિંગ આપવામાં આવશે. જેથી આવનારા દિવસોમાં ગુજરાતની સરકારી શાળાના વિદ્યાર્થીઓ દેશ-વિદેશની ખાનગી શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટક્કર મારી શકશે.
પીએમ મોદીને ગુજરાત સરકારે આપ્યું આમંત્રણ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ ( School of Excellence ) કાર્યક્રમના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( PM Modi ) ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે આપવામાં આવેલું આમંત્રણ સ્વીકારશે તો તેઓ ગુજરાત આવીને સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે આ ઉપરાંત કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાનને પણ ગુજરાત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ
આ પણ વાંચોઃ OBC અનામત બિલના સમર્થનમાં મોદી સરકાર અને વિપક્ષ એક સાથે