- સ્વ. માધવસિંહ સોલંકી અને સ્વ.કેશુભાઇ પટેલે ગુજરાતના વિકાસને નવી દિશા આપી
- સામાજિક ઉત્થાનના સર્વાંગી વિકાસ કાર્યો માટે સ્વ. માધવસિંહ જાણીતા હતા
- ગોકુળગ્રામ યોજના- નર્મદા યોજના જેવી બહૂહેતુક યોજના માટે સ્વ.કેશુભાઇ પટેલ સદાય સ્મરણીય રહેશે
ગાંધીનગર: 14મી ગુજરાત વિધાનસભાના 8માં સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ સહિતના ચાર પૂર્વ દિવંગત રાજ્યપ્રધાનોને અને 7 પૂર્વ દિગ્વંત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી.
માધવસિંહ સોલંકીએ વિકાસની દિશા આપી: CM રૂપાણી
ગૃહના નેતા તરીકે CM વિજય રૂપાણીએ પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.માધવસિંહ સોલંકીએ તેમના મુખ્યપ્રધાન કાળ દરમિયાન ઉદ્યોગ, વીજળી, શિક્ષણ, સામાજિક કલ્યાણ તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન દ્વારા વિકાસને નવી દિશા આપી હોવાનું સ્મરણ કર્યું હતું. આ સાથે જ મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરનારા સ્વ. માધવસિંહ સોલંકીએ કુશળ પ્રશાસક, દીર્ધદૃષ્ટા અને ગ્રામજગતના ઉત્થાન માટે વિચક્ષણ રાજપુરુષ તરીકે આપેલું યોગદાન સદાકાળ સ્મરણીય રહેશે.
કેશુભાઈ પટેલ ગ્રામીણ વિકાસના પ્રણેતા
CM રૂપાણીએ પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઇ પટેલને લોકનેતા તરીકેની ભાવસભર અંજિલ આપતા કહ્યું કે, ગોકુળગ્રામ યોજનાથી સર્વાંગી ગ્રામીણ વિકાસના પ્રણેતા સ્વ.કેશુભાઇ પટેલે કિસાન પુત્ર તરીકે ખેડૂતોના હિતો પ્રત્યે પણ સદાય સંવદેના દર્શાવી હતી. સ્વ. કેશુભાઇ પટેલે મચ્છુ હોનારત વેળાએ તેમજ 2001માં કચ્છના ભૂકંપ વખતે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પણ સાદર સ્મરણ કર્યું હતું. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે દિર્ધકાલિન સેવાઓ આપનારા સ્વ.કેશુભાઇ પટેલે પોતાનું સમગ્ર જીવન ખેડૂત, ગામડા, સામાજિક ઉત્કર્ષ અને રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ખપાવી દીધું હતું.
વિધાનસભા ગૃહમાં 2 મિનિટનું મૌન
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રધાનમંડળના નેતાઓ, સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ પણ આ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવતા શોક પ્રસ્તાવમાં ભાગ લીધો હતો. સમગ્ર સભાગૃહે 2 મિનીટનું મૌન પાળીને તમામ પૂર્વ દિવંગત સભ્યોને અંજલિ અર્પી હતી.
કોરોના મહામારીથી અવસાન પામેલા કોરોના વોરિયર્સ અને પ્રજાજનોને શ્રદ્ધાંજલિ
CM રૂપાણીએ શોક પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, આવા મુશ્કેલીના સમયે આરોગ્ય તંત્રના સ્ટાફે ખડે-પગે રહી સેવા બજાવી છે અને પ્રજાના જીવ બચાવવા અથાગ પ્રયાસ કર્યા છે. જેના પરિણામે આજે સોમવારે કોરોના મહામારી મહદઅંશે કાબૂમાં આવી શકી છે. તેમ જ મૃત્યુનું પ્રમાણ ઘટાડી શક્યા છીએ. કોરોના સંક્રમિત લોકોની સેવામાં કાર્યરત કોરોના વોરિયર્સ પોતે પણ આ રોગથી સંક્રમિત થયા છે અને પોતાના જીવ પણ ગુમાવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના વોરિયર્સ પ્રત્યે સંવેદના દાખવી હંમેશા એમની પડખે ઊભી રહી છે. આ માનવતા ભર્યા સેવાના કાર્યમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા કોરોના વોરિયર્સના પ્રત્યેક કુટુંબને રૂપિયા 50 લાખનું વળતર આપવામાં આવ્યું છે.