- ગાંધીનગર સિવિલ ખાતે રજૂઆત કરવા વિદ્યાર્થીનીઓ એકત્રિત થઈ
- બીજી લહેરમાં સ્ટાફની અછત વચ્ચે પોતાની ફરજ નિભાવી હતી
- સુપ્રિટેન્ડેન્ટને પોતાની માંગણીને લઇને રજૂઆત કરી
ગાંધીનગર: કોરોનાની બીજી લહેર હતી ત્યારે નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓને કોવિડ કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમને રોજના 400 લેખે એમ એક મહિનાના 12,000 રૂપિયા આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ સી.એમ. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમને એપ્રિલ-મે દરમિયાન કરેલી કામગીરીનું ચુકવણી હજુ સુધી કરવામાં આવી નથી. જેથી અમને અમારો આ પગાર આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
જો અમને યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું: વિદ્યાર્થિની
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સી.એમ.પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરવા માટે એકત્રિત થઇ હતી. આ દરમિયાન આ વિદ્યાર્થિની પૂજા ચાવડાએ કહ્યું હતું કે, B.Sc. નર્સિંગના અમે કુલ 40 જેટલા વિદ્યાર્થીઓ છીએ. અમને કોવિડની કામગીરીનો પગાર હજુ સુધી મળ્યો નથી. અત્યાર સુધી અમે ઘણીવાર રજૂઆતો કરી છે પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. આજે પણ જો કોઈ ચોક્કસ અને યોગ્ય જવાબ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું.
45 દિવસની કામગીરીનું ચુકવણું બાકી
કોરોનાની મહામારીમાં સ્ટાફની જ્યારે અછત હતી ત્યારે સરકાર દ્વારા પરિપત્ર જારી કરી નર્સિંગના વિદ્યાર્થીઓને કોવિડ કામગીરીમાં કામ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિદ્યાર્થીનીઓએ 45 દિવસ કામગીરી કરી છે પરંતુ હજુ સુધી તેનું ચુકવણું તેમને કરવામાં નથી આવ્યું. જેથી વિદ્યાર્થીનીઓએ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અન્ય હેડને પણ રજૂઆત કરી છે પરંતુ તેને લઈને તેમની રજૂઆત આગળ વધારવામાં નથી આવી અને કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી.