ગાંધીનગરઃ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 15 હજાર 786 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદના કારણે 2482 લોકોને સલામત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 366 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વધારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢમાં NDRFની વધારાની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર ખાતે ત્રણ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
પટેલે વીજપુરવઠા બાબતે વિગત આપતાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રાજ્યના 422 જેટલા ગામોમાં વીજ પુરવઠાને લઈને પ્રશ્ન ઉપસ્થિત થયાં હતાં. જેમાં 58 જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત 57 જેટલા એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યાં હતાં. વરસાદના કારણે 487 જેટલા રોડ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 82,98,371 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ધાન્ય પાક 97 ટકા, કઠોળ 91 ટકા, મગફળી 118 ટકા અને કપાસ તથા તમાકુની 87 ટકા ખેતી રાજ્યમાં કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થશે જેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના ઓછી હોવાનું પણ રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું હતું.