- 5 દિવસ બાદ હોસ્પિટલ શરૂ થાય તેવી કોઈ હરકત નહીં
- DRDO અને કોર્પોરેશને માત્ર 10 મિનિટનું નિરીક્ષણ કર્યું
- ટૂંક સમયમાં ઓર્ડર મળે તેવી શક્યતા
ગાંધીનગર : શહેરમાં કોવિડ દર્દીઓ માટે સૌથી મોટી 1200 બેડની હોસ્પિટલ આગામી સમયમાં ઊભી થાય તે માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 5 દિવસ પહેલા જણાવ્યું હતું, પરંતુ આ મામલે હજૂ સુધી કોઈપણ કાર્ય થયું નથી. DRDO અને કોર્પોરેશને માત્ર દસ મિનિટ જેટલું નિરીક્ષણ કર્યું હતું. DRDOના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓર્ડર મળશે, ત્યારે ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. તેનો મતલબ કે કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હોવા છતાં પણ હજૂ સુધી ઓર્ડર મળ્યો નથી.
હોસ્પિટલ ક્યારે શરૂ થશે ?
હોસ્પિટલ ઉભી કરવાને લઇને કોઇ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. અહીં ફક્ત સાફ સફાઈ થઈ રહી છે, જેનો કોઈ મતલબ નથી. હવે જોવાનું એ રહ્યું કે, કોરોનાના કેસ આટલી મોટી સંખ્યામાં વધી રહ્યા છે, તેને જોતા હોસ્પિટલ ક્યારે શરૂ થશે અને અન્ય દર્દીઓને ક્યારે સુવિધા મળશે.
હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે લોકો મરી રહ્યા છે છતા ગોકળ ગતિએ કામ થઇ રહ્યું છે
કોરોનાના કેસ એટલી હદ સુધી વધી ગયા છે કે, રાજ્યની કોઈ હોસ્પિટલમાં પૂરતી જગ્યા નથી. લોકો એક- એક બેડ માટે વલખાં મારી રહ્યા છે. ઓક્સિજન અને વેન્ટિલેટર માટે લોકો તરફડી રહ્યા છે. લોકો હોસ્પિટલની બહાર જ મરી રહ્યા છે. આ પ્રકારની અરાજકતા ફેલાઈ છે, તેમ છતાં પણ ગાંધીનગર શહેરમાં ફક્ત 1,200 બેડની હોસ્પિટલ બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ કામ ગોકળગતિએ થઈ રહ્યું છે. DRDOના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓર્ડર મળશે ત્યારે કામ જલ્દી જ શરૂ થઈ જશે. તેનો મતલબ એ થયો કે, હજૂ સુધી 1200 બેડની હોસ્પિટલ મળવાનો ઓર્ડર જ નથી મળ્યો. તો કામ આગળ કેવી રીતે અને ક્યાંથી થશે.
આ પણ વાંચો : રાજકોટ કલેક્ટર કચેરીમાં 24 કલાક રેમડેસીવીર કંટ્રોલ રૂમ કાર્યરત
108ને આવતા 3થી 5 દિવસ થાય છે, તો ફક્ત 108ના પેશન્ટને એડમિટ કેમ કરાઇ રહ્યા છે ?
અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી તો કરાઈ છે, પરંતુ ત્યાં પણ 108માંથી આવેલા દર્દીઓને જ એડમીટ કરવામાં આવે છે. અન્ય પ્રાઇવેટ વાહનોમાં આવેલા દર્દીઓ બહાર જ દમ તોડી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓને સારવાર માટે છે, તો શા માટે 108ની રાહ જોવી પડે છે ? ગાંધીનગરમાં પણ 108માંથી આવેલા દર્દીઓને જ નહીં, પરંતુ પ્રાઇવેટ વાહનોમાં આવેલા દર્દીઓને પણ એડમીટ કરવામાં આવે, જેથી તેમની તત્કાલ સારવાર થાય અને તેઓ સાજા થાય નહીં કે તેઓ બહાર જ દમ ન તોડી દે. આ હેતુથી ગાંધીનગરના આપના ઉમેદવાર, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો વગેરેએ પણ સરકારને લેટર લખ્યા છે કે, 108 સિવાય પણ અન્ય પ્રાઇવેટ વાહનોમાં આવેલા પેશન્ટને એડમીટ કરવામાં આવે.
આ પણ વાંચો : રાજકોટના પરાપીપળીયા ખાતે 60 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે
DRDOઓના અધિકારીઓએ જણાવ્યું, ઓર્ડર મળ્યા પછી જલદી કામ શરૂ થશે
DRDOએ આજે મંગળવારે સવારે હેલિપેડ એક્ઝિબિશન ખાતે નિરીક્ષણ કર્યું હતું, પરંતુ હજુ સુધી ઓર્ડર જ નથી મળ્યો. દેશના ગૃહપ્રધાન અમિત શાહની જાહેરાત પછી પણ 5 દિવસ સુધી ઓર્ડર નથી મળ્યો. જેથી એ અનુમાન લગાવી શકાય છે કે, આ કમગીરી કેટલી હદે ધીમી થઈ રહી છે. જેથી હોસ્પિટલ બનતા પણ સમય લાગે તો ના નહીં. જેની સામે રોજ કોરોના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. મૃત્યુદર પણ બેકાબૂ છે, ત્યારે આ હોસ્પિટલ જલદી બને તે પણ જરૂરી છે.