- સુપ્રીમ કોર્ટના વર્ષ 2015ના આદેશ પ્રમાણે ગુજરાત સરકારનો પરિપત્ર
- વિદેશી ફટાકડાના વેચાણ અને સંગ્રહ કરવા પર બનશે ગુનો
- ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ યથાવત
- ગુજરાત સરકારે બહાર પાડ્યો પરિપત્ર
- ફટાકડા ફોડવા બાબતે હજુ કોઈ નિર્ણય નહીં
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા અત્યારે ફટાકડા ફોડવા બાબતનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટિસ પ્રમાણે ગુજરાતમાં ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે હજી સુધી ગુજરાત સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી, જ્યારે આ બાબતનો નિર્ણય 9 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
જાહેરમાં ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે, જાહેરમાં કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડી શકશે નહીં. જેને ધ્યાનમાં લઈને જ આજે શનિવારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઈ.જીને તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધે અને ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આમ ગુજરાત સરકારે જાહેર કરેલો પરિપત્ર સંપૂર્ણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે જ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ફટાકડા ફોડવા કે નહીં ફોડવા તે બાબતે હજી રાજ્ય સરકારે કોઇ જ પ્રકારનો નિર્ણય કર્યો નથી.
આમ, રાજ્ય સરકાર હવે 9 નવેમ્બરના રોજ ગુજરાતમાં ફટાકડા ફૂટશે કે નહીં તે બાબતનો સત્તાવાર નિર્ણય કરશે.