- નાયબ મુખ્ય પ્રધાને કનોડિયા બ્રઘર્સને લઇને માંગી માંફી
- ચૂંટણી પ્રચારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વખતની ઘટના
- કનોડિયા ભાઇઓને શ્રદ્ધાંજલિ આપતી વખતે કર્યો હતો ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મના બે મહાન કલાકારો નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના અવસાન થયા બાદ મોરબી ખાતે વિધાનસભાના પેટા ચૂંટણીની જાહેર સભા દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બંન્ને ભાઈઓને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઇને દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને માફીની માંગ કરી હતી. ત્યારે બુધવારના રોજ રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર જાહેરમાં માફીનામું લખીને પ્રસિદ્ધ કર્યું હતું.
ચૂંટણી પ્રચારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વખતની ઘટના
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસારની ભાજપની જાહેર સભામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને નરેશ કનોડિયા તથા મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારે નીતિન પટેલે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા માટે ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે શબ્દોથી દલિત સમાજને માઠું લાગ્યું હતું અને જાહેરમાં નીતિન પટેલ માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટે. બહાર ફરિયાદ માટે એકઠા થયા હતા કાર્યકરો
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નિવેદન બાદ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનની બહાર નીતિન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે દલિત સમાજના લોકો ભેગા થયા હતા. પરંતુ પોલીસે કોઇ ફરિયાદ લીધી ન હતી, જેથી કાર્યકર્તાઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનની બહાર પણ વિરોધના સૂત્રોચાર પણ કર્યા હતા સાથે જ કોર્ટમાં જવાની પણ ચીમકી આપી હતી.
ફેસબુક માધ્યમથી માંગી માફી
પોતાની ભૂલ કબૂલતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરમાં પોતાના ફેસબુક પેજના માધ્યમથી માફી માંગી છે. જ્યારે નરેશ કનોડીયાની તબિયત વધુ ખરાબ હતી, ત્યારે તેઓના થકી જ યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના પુત્ર હિતુ કનોડિયા પણ તેમના સતત સંપર્કમાં હોવાની વાત પણ તેઓએ માફીનામાં પ્રસિદ્ધ કરી છે.