ગાંધીનગર: શહેરમાં ગુના ઉકેલવા માટે પોલીસની વિવિધ ટુકડીઓ કામગીરી કરી રહી છે. જેમાં RR સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પણ આવી જાય છે, ત્યારે આ બન્નેની કામગીરી નબળી હોવાને લઈને નવા રેન્જ IG દ્વારા તેમને હટાવી દેવામાં આવી છે. આ તમામ પોલીસ કર્મીઓને પોતાના જિલ્લામાં જવા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં તાજેતરમાં જ IPSની બદલી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર રેન્જ IGનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરના નવા રેન્જ IG તરીકે અભય ચુડાસમાની નિમણૂક આવી છે, ત્યારે રેન્જ IG અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા બન્ને કડક અધિકારી તરીકે ઓળખાય છે. કારણ કે, રેન્જ IGએ ખુરશીમાં બેસવાની સાથે જ કડક નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર રેન્જમાં કામગીરી કરતી RR સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડને બરખાસ્ત કરવામાં આવી છે. આ બન્ને ટીમમાં અંદાજે 30 જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા. આ તમામ કર્મચારીઓને પોતાના જિલ્લામાં જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યાં મોકલી દેવામાં આવ્યા છે.
રેન્જ IG અભય ચુડાસમાએ આ બન્ને ટીમને તેમની નબળી કામગીરીને લઇને હટાવી નાખી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે, આગામી સમયમાં નબળી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ પણ પોતાનો પ્રદર્શન નહીં સુધારે તો નુકસાની ભોગવવી પડશે.