ગાંધીનગર : લોકડાઉન દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં તળાવ, નદીઓ ઉંડા કરવા માટે સુજલામ સુફલામ યોજના 20 એપ્રિલથી ૩૦જૂન સુધી અમલમાં મૂકી છે. જેમાં નદી, તળાવ ઊંડા કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન વધુ પાણીનો સંગ્રહ થઈ શકે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે સુજલામ સુફલામ યોજના મૂકવામાં આવી છે તે અંતર્ગત અત્યાર સુધીમાં 26,88,000 ક્યુબીક ઘન મીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેટલું કામ કરવામાં આવ્યું છે. આ સાથે જ 400078 હજાર માનવજીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી અત્યાર સુધીમાં કુલ 374 કામો રાજ્યમાં પૂર્ણ થયા છે. આ સાથે જ 62,754 જેટલા શ્રમિકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ યોજના 60% અને 40% ટકાની ભાગીદારીથી કામ કરવાનું હોય છે, જેમાં 60 ટકા સરકારના અને 40% સામાજિક સંસ્થાના હોય છે. જ્યારે કૃત્રિમ સાધનોની વાત કરવામાં આવે તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત 25,954 જેટલા જીસીબી, જેવા યાંત્રિક સાધનોથી કામ શરૂ છે.
લોકડાઉન દરમિયાન રાજ્યમાં કોઈ પણ ભૂખથી ના સુવે તે માટે એપ્રિલ મહિનામાં સરકારે તમામ એપીએલ કાર્ડ ધારકોને મફતમાં રાશન આપ્યું હતું. તેવી જ રીતે હવે મે મહિનામાં એપીએલ કાર્ડધારકોને મફતમાં રાશન આપવાની જાહેરાત કરી હતી. જે 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લામાં રાશન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 12 લાખ જેટલા પરિવારોએ મફતમાં રાશન મેળવ્યું છે. જ્યારે અમદાવાદમાં લોકડાઉન ઉપરાંત શટડાઉન હોવાના કારણે આવનારા દિવસોમાં એપીએલ કાર્ડધારકો માટે રાશન આપવાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.