- ગાંધીનગર મ.ન.પા. સહિત 19 નગરપાલિકામાં ચૂંટણી
- શુક્રવારે સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થયા
- ચૂંટણી જીતવા માટે ઉમેદવારો કરશે ડોર-ટૂ-ડોર પ્રચાર
ગાંધીનગર: 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર કોર્પોરેશન (GMC) સહિત 29 જેટલી નગરપાલિકાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) માટે મતદાન યોજાશે. ત્યારે મતદાનના 48 કલાક અગાઉ સંપૂર્ણ આચારસંહિતા (Model code of coduct) લાગૂ થઈ ગઈ છે. તમામ સ્થળોએ સત્તાવાર રીતે પ્રચાર પડઘમ શાંત થતા હવે ઉમેદવારો ડોર-ટૂ-ડોર પ્રચાર તેમજ મહોલ્લા મિટીંગો યોજીને પ્રચાર-પ્રસાર કરશે.
વિગતવાર ચૂંટણી કાર્યક્રમ | |
ચૂંટણી જાહેરાતની તારીખ | 6 સપ્ટેમ્બર |
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ | 13 સપ્ટેમ્બર |
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર |
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ | 20 સપ્ટેમ્બર |
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ | 21 સપ્ટેમ્બર |
મતદાનની તારીખ | 3 ઓક્ટોબર |
પુનઃમતદાનની તારીખ | 4 ઓક્ટોબર |
મતગણતરીની તારીખ | 5 ઓક્ટોબર |
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 8 ઓક્ટોબર |
ચૂંટણીમાં અગાઉના ઉમેદવારીપત્રો માન્ય, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનું અવસાન નિપજ્યું હતું. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રથમ નોટિફિકેશન પ્રમાણે જે ઉમેદવારોએ અગાઉ ઉમેદવારી નોંધાવી છે. તે યથાવત રહેશે અને જે વોર્ડમાં રાજકીય પક્ષના ઉમેદવારોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેવી ઘટનામાં જ બીજો ઉમેદવાર જાહેર કરી શકાશે.
તમામ મતદાન મથકોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ મતદાન મથકો ઉપર કોઈ પ્રોટોકોલ પ્રમાણે કાર્ય કરવાની સૂચના ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આપવામાં આવી છે. જ્યારે તમામ મતદાન મથકોમાં થર્મલ ગન, સેનેટાઈઝર, અને ફેસ શિલ્ડ જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.
આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી જાહેર
ગાંધીનગર કોર્પોરેશન તથા અન્ય નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કોરોનાની બીજી લહેર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે 3 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.