ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંવેદનશીલ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાનના પુત્રએ જ ચેકડેમ બનાવવામાં કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર વિજીલન્સની કચેરીએ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ આવેદનપત્ર અગત્યના પૂરાવા પણ વિજિલન્સ કચેરીએ આપવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડેએ ખુલાસા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ મને બદનામ કરવા માટે આ કાવતરું કરી રહ્યા છે.
રાજ્યકક્ષાના પ્રધાન બચૂ ખાબડએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, મારા દીકરા પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા છે. જ્યારે મુખ્યપ્રધાને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યપ્રધાને આપેલા આદેશ અનુસાર 9 દિવસ સુધી 20 જેટલી ટીમ તપાસ કરી રહી હતી. તપાસ બાદ પ્રાથમિક અહેવાલ આવી ચૂક્યો છે, પરંતુ હજુ તપાસ બાકી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મારી વિરુદ્ધ રહેલા કોંગ્રેસના ઉમેદવારે જ આક્ષેપ કર્યા છે. તેઓ ચૂંટણીમાં હાર નહીં સ્વીકારવાના કારણે તેઓ જેમ ફાવે તેમ આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે એજન્સીની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર નાની એજન્સી છે. ચેકડેમ બનાવવા માટેની પરવાનગી આપતું જ નથી. અમારી એજન્સી છેલ્લા 30 વર્ષથી ફક્ત માલ મટિરિયલ જ સપ્લાય કરે છે, અમે કોઈ જ ચેકડેમ નથી બાંધ્યા અને નથી બનાવ્યા.
જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર વિધાનસભાના ચૂંટણી દરમિયાન તેઓ હારી ગયા હતા. તેઓએ પોતે ગુંડાગર્દી અને પાસાની સજા પણ ભોગવેલી છે. જ્યારે અંતિમ અહેવાલ આવ્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવાની ચીમકી રાજ્યકક્ષાના પ્રધાન બચૂ ખાબડ એ આપી હતી.