ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનો વિરોધ
રાજ ભવન ઘેરવાના આહ્વાન બાદ પોલીસની સતર્કતા
પોલીસે તમામ નેતાઓની કરી અટકાયત
100થી વધુ કાર્યકર્તાઓની કરાઈ અટકાયત
ગાંધીનગર: કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં જીએસટી બિલ પસાર કર્યા છે તેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે શનિવારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત બચાવો દેશ બચાવોના નેજા હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમના અંતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ ભવન ઘેરવાનું આહ્વાન કર્યું હતું. જેથી પોલીસે તમામ લોકોની અટકાયત કરી દીધી હતી.
2 ગુજરાતીઓ ખેડૂતોને ગરીબ કરવા નીકળ્યા છે: પરેશ ધાનાણી
ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓની હંમેશા બોલબાલા રહી છે, પરંતુ 2 ગુજરાતીઓએ દેશના ખેડૂતોને ગરીબ બનાવવાનું નક્કી કર્યું છે.
હવે ભાજપને હરાવો, ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાવ: ભરતસિંહ સોલંકી
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા, જ્યારે આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાનું પણ આહ્વાન કર્યું હતું અને કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ જગ્યામાં ભાજપને હરાવી અને કોંગ્રેસને જીતાડવાનું આહ્વાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું. આ સાથે જ ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓને રાવણ સાથે પણ સરખાવ્યા હતા.
ગુજરાત આંદોલનની ભૂમિ: સરકાર સામે હવે આવાજ ઉઠાવવો જ પડશે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેએ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. આ સાથે જ રાજીવ સાતવેએ જણાવ્યું હતું કે, ગુજરાત આંદોલનની ભૂમિ છે સરદાર અને ગાંધીની ભૂમિ છે. ગુજરાત અમૂલ અને અન્ય મંડળીઓથી ઓળખાય છે, જ્યારે હવે ગુજરાતના ખેડૂતો પણ લાચાર છે. દિલ્હી સરહદ પર 60 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આમ છતાં હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી.
AC, ફ્રીજ બનાવનારાઓ અમીર થઈ ગયા, ખેડૂતો ગરીબ થઈ ગયા
પાટીદાર નેતા અને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા. હાર્દિક પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં TV, ફ્રિજ અને AC બનાવવાવાળા અમીર થઈ ગયા છે અને ખેડૂતો દિવસેને દિવસે ગરીબ થઇ રહ્યા છે.