- કેવી રીતે ભણશે ગુજરાત? રાજયની 17 શાળાઓમાં વીજળી જ નહીં
- સરકારે છેલ્લા 2 વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને અપાઈ નથી મંજૂરી
- 2 વર્ષમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી અપાઈ
ગાંધીનગર: કેવી રીતે ભણશે ગુજરાત? આ સવાલ આવશ્યક છે. કારણ કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પૂછેલા સવાલોમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં આવેલી કુલ 17 જેટલી શાળાઓમાં વીજળીની સુવિધાઓ જ નથી. જ્યારે રાજ્યમાં 5353 સરકારી અને 458 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધાઓ ન હોવાનું વિધાનસભાગૃહની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
રાજ્યની 17 પ્રાથમિક સરકારી શાળામાં વીજળી નથી
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ શાળાઓને લઈને અનેક સવાલો કર્યા હતા. જેમાં રાજ્ય સરકારે જવાબ આપ્યા હતા અને અનેક ચોંકાવનારા મુદ્દાઓ સામે આવ્યા છે. આ વિગત જે રીતે સામે આવી છે તેને ધ્યાનમાં લઈએ તો રાજ્યમાં મોરબીમાં પાઠશાળાઓ દેવભૂમિ દ્વારકા એક, પોરબંદર સાત, ગીર સોમનાથ બે અને સુરેન્દ્રનગરની બે સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્ય સરકાર ગામેગામ અને ઘેરઘેર વીજળી પહોંચાડવાના દાવાઓ કરે છે, પરંતુ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષે કર્યો છે, ત્યારે આધુનિક અને કોરોના મહામારીમાં ઓનલાઇન અને કોમ્પ્યુટરથી શિક્ષણ કેવી રીતે પૂરું પાડવામાં આવતું હશે તેવા પણ પ્રશ્નો કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યા છે.
રાજ્યમાં 5353 સરકારી શાળા અને 458 ખાનગી શાળામાં કમ્પાઉન્ડ વોલ જ નથી
જ્યારે કમ્પાઉન્ડ વોલની સુવિધા વગરની પ્રાથમિક શાળાઓની વાત કરવામાં આવે તો વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં કોંગ્રેસ પક્ષે કરેલા સવાલોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં 5353 સરકારી પ્રાથમિક શાળાઓ અને 458 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ ન હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં 2 વર્ષમાં કેટલી શાળાઓને આપવામાં આવી મંજૂરી
રાજ્યમાં શાળાઓની મંજૂરીની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અંગે ઉછેર પ્રશ્નની સંકલિત માહિતીમાં રાજ્યમાં 126 સરકારી, 2181 ગ્રાન્ટેડ અને 5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. બે વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે માત્ર બે જ ગ્રાન્ટેડ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 446 ખાનગી અને માત્ર 20 સરકારી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે અને ગ્રાન્ટેડ એક પણ પ્રાથમિક શાળાને રાજ્ય સરકારે મંજૂરી આપવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર સરકારી શિક્ષણના બદલે ખાનગીમાં મોંઘુ શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓ લાખો રૂપિયાની ફી ભરવી પડે તેવી નીતિ અપનાવીને બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ રાજ્ય સરકાર કરી રહ્યાં હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષે કર્યા હતા.