- ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં 11 મહિનામાં 200 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા
- છેલ્લા 50 કલાકમાં 15 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા
- અતિવૃષ્ટિના લીધે સર્જાઈ રહ્યા છે ભૂકંપના આંચકા
ગાંધીનગર: છેલ્લા 11 મહિનામાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તાર જેવા કે, પોરબંદર, જામનગર, રાજકોટ અને ગીર તાલાલામાં ભૂકંપના સૌથી વધુ આંચકા અનુભવાયા છે. આ અંગે ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન કેન્દ્રના વડા સુમેર ચોપડાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા 11 મહિનામાં કુલ 200 જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા નોંધાયા છે. જ્યારે છેલ્લા 50 કલાકની અંદર 15 જેટલા ભૂકંપના આંચકા સિસ્ટમમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે નાના ભૂકંપના ઝાટકા એ ફક્ત ભારે વરસાદના કારણે જ આવે છે જેથી મોટા ભૂકંપ આવવાની સંભાવના ખૂબ ઓછી છે.
વધુ વરસાદના કારણે થઈ રહી છે ભૂકંપની ઘટના
સુમેર ચોપડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે એવરેજ કરતા વધુ વરસાદ પડે છે ત્યારે ભૂકંપની ઘટનામાં વધારો થાય ,છે જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની જમીન સારી હોવાના કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરે છે અને ત્યારબાદ જમીનની અંદર દબાણ શરૂ થાય છે તે દબાણ દૂર થતા આવી ઘટનાઓ બને છે. આમ રાજ્યમાં ભારે વરસાદના કારણે ભૂકંપની ઘટનાઓ બને છે. વરસાદની સીઝન પૂર્ણ થઇ ગયા બાદ બે મહિના સુધી આવી ઘટનાઓ સામે આવે છે.
ચોપડાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં જામનગર વિસ્તારમાં ભૂકંપના સૌથી વધુ 75 જેટલા આંચકા અનુભવાયા છે. જ્યારે તાલાલા ગીર પંથકમાં 50 થી 55, રાજકોટમાં અને પોરબંદરમાં 20 થી 25 જેટલા ભૂકંપના ઝાટકા નોંધાયા છે. ઉપરાંત લોકડાઉન દરમિયાન અમદાવાદમાં પણ સામાન્ય તીવ્રતાનો ભૂકંપ અનુભવવામાં આવ્યો હતો.
મોટા ભૂકંપની સંભાવના ખૂબ ઓછી, ફક્ત નાના ભૂકંપ જ આવે તેવી શક્યતા
ભૂકંપ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર સુમેર ચોપડાએ જણાવ્યું હતું કે વર્ષ 2011માં રાજકોટમાં 4.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જ્યારે હવે આવનારા સમયમાં પણ નાના ઝાટકા આવવાની શક્યતાઓ વધુ છે પરંતુ મોટા ભૂકંપો આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે.