ગાંધીનગર: શુક્રવારે ગુજરાત વિધાનસભા સત્રના પાંચમા દિવસે ગૃહમાં ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-2003નું સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહમાં સર્વસંમતિથી આ બિલને પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બાબતે જણાવ્યું કે, પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય ફિશિંગ બોટના થતા અપહરણ અટકાવવા માટે સુરક્ષા વધુ સઘન કરવામાં આવશે. સાથે સાથે આપણા માછીમારો પણ સરહદ ઓળંગી ન જાય તે માટે તેમને જાગૃત કરવાના વિવિધ કાર્યક્રમો ઉપરાંત કડક પગલાંની જોગવાઈ કરવામાં આવી છે. દેશમાં સૌથી મોટો 1600 કિમીનો દરિયાઈ વિસ્તાર માત્ર ગુજરાત પાસે છે, જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો ‘લાલ પરી’ નામનું વિશિષ્ટ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. આથી પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી ભારતીય ફિશિંગ બોટનું અપહરણ કરી લે છે તેવા અનેક બનાવો બનતા રહે છે. આવા પ્રકારની ઘટનાઓને અટકાવવાના હેતુસર જરૂરી પગલાં લેવા રાજ્ય સરકાર આ સુધારા વિધેયક લાવી છે.

રાજયમાં 1.64 લાખ કિમીના વિસ્તારની ખંડીય છાજલી (કોન્ટિનેન્ટલ સેલ્ફ) આવેલી છે. જ્યારે 2.14 લાખ ચોરસ કિમી વિસ્તારનો એટલે કે 200 નોટિકલ માઈલ સુધી એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન વિસ્તાર આવેલો છે. ગુજરાત રાજયમાં દરિયાઈ, આંતરદેશીય (મીઠું પાણી–ઈનલેન્ડ વોટર) અને ભાંભરા પાણી (મીઠું અને ખારું પાણી ભેગું થાય તે ક્ષેત્ર)ના ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગ વિકાસની વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે, જેના કારણે રાજ્યમાં વર્ષ 2019-20ના અંતે કુલ મત્સ્ય ઉત્પા્દન 8,58,272 મેટ્રિક ટન થયું છે. રાજ્યના પ્રાદેશિક જળ વિસ્તારમાં કિંમતી અને વિપુલ જથ્થામાં પાપલેટ, લોબસ્ટર, ઝિંગા, સ્ક્વિડ, બુમલા તથા સુરમાઈ જેવી માછલીઓ મળે છે. તેથી જ રાજ્યમાં માછીમારીની સાનૂકૂળ પરિસ્થિતિના કારણે આજે ગુજરાતના દરિયાઈ જળ વિસ્તારમાં અન્ય રાજ્યોના માછીમારો માછીમારી કરવા લલચાય છે. દરિયા કિનારાની સુરક્ષા આંતરિક તથા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી બાબત ખૂબ જ મહત્ત્વની છે. દાણચોરી અને વિસ્ફોટકોની હેરફેરમાં દરિયાઈ માર્ગનો દુરુપયોગ વધતો જઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયા કિનારા પર ચાંપતી નજર અને આંતકવાદી વિરોધી દળ (ATS) સાથે અસરકારક સંકલન જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા રાજ્યના મરિન પોલીસ દળની દેખરેખ અધિક પોલીસ મહાનિદેશક એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી હસ્તક મૂકવામાં આવી છે. રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજ્યની મરિન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારની ફિશીંગ વેસેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપ સી બોટ અથવા અન્ય કોઈ યાંત્રિક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે search and Seizureની સત્તાઓ આપવા માટે જરુરી જોગવાઈ કરાઈ છે. આ માટે રાજ્યના મરિન પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તા સોંપાઈ છે.

ગૃહપ્રધાન પ્રદીપસિંહે વધુમાં જણાવ્યું કે, ફિશીંગ માટે અન્ય રાજ્યમાંથી આવતી બોટ સામે પ્રવર્તમાન કાયદામાં દંડની કોઈ જોગવાઇ નથી. કેટલીક વાર રાજ્ય બહારની બોટો રાજ્યની દરિયાઈ સીમામાં માછીમારી અથવા અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે આવે છે અને રાજ્યનાં માછીમારોનાં હિતોનું ઉલ્લંઘન કરે છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બહારની ફિશીંગ બોટો સામે દંડની જોગવાઈ કરવી જરૂરી હોવાથી આ કાયદા દ્વારા દંડની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય બહા૨ની ફિશીંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે રૂ. 1 લાખના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલા મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી ૨કમ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ગુના અને દંડની જોગવાઈ માટે સ્થાનિક સત્તાક્ષેત્રના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષાત્મક સજા કરવામાં આવશે અને ફક્ત સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ આ માટે અમલ અધિકારી રહેશે. તે ઉપરાંત ગુનાના દંડ વસૂલવા માટે સબડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા અપીલ અને ફેર તપાસ માટે ન્યાય નિર્ણય અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
રાજ્યની ફિશીંગ બોટો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગે નહીં તે માટે ફિશીંગ બોટોને ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ (જીપીએસ)સાધનની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂ.. 40 હજારના 50 ટકા લેખે રૂ. 20 હજાર મહત્તમ સહાય આપવામાં આવે છે. આ રજિસ્ટર્ડ થયેલી બોટો પૈકી 5,375 બોટોને રૂ. 9,76,14,588ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં ભારત સરકારે ઈસરો મારફતે ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ફિશીંગ બોટ્સમાં ટ્રાન્સપોન્ડર્સ ફિટ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રથમ તબક્કે 500 બોટસ પૈકી 440 બોટમાં ટ્રાન્સપોન્ડર્સ ફિટ કરવામાં આવ્યા છે. આથી ઈસરો દ્વારા સેટેલાઇટ મારફતે બોટસનું અસરકારક મોનિટરિંગ શક્ય બન્યું છે. છેલ્લા 3 વર્ષમાં કુલ 179 જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં મત્સ્યોદ્યોગના રક્ષણ, સં૨ક્ષણ, વિકાસ-નિયમન માટે અને તે સાથે સંબંધિત અથવા આનુસંગિક બાબતો માટે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 બનાવવામાં આવ્યો છે. માછીમારીના જહાજો અને માછીમારી પ્રવૃત્તિઓનું નિયમન-દેખરેખ રાખવા મરિન પોલીસ ખાતાને મત્સ્યોદ્યોગ અધિકારીઓ અને તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ) સાથે સહયોગમાં સશકિતકરણ કરીને કામ કરવાની વ્યવસ્થા ગોઠવવા કાયદાની જોગવાઈઓ અને નિયમોમાં સુધારો કરવો આવશ્યક હતો. પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારીની પ્રવૃત્તિઓની આડમાં કોઈ પણ રાજ્યની સુરક્ષા જોખમાતી હોય છે. આથી કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી હોય છે. રાજ્યના પ્રાદેશિક જળક્ષેત્રમાં રાજ્યની અને રાજ્ય બહારની માછીમારી બોટ દ્વારા રાજ્યની સુરક્ષાના વિરુદ્ધમાં ગતિવિધિના નિરીક્ષણ માટે હાલના પ્રવર્તમાન કાયદામાં જરુરી સુધારા-ફેરફાર કરવા આવશ્યક જણાતા હતા. આ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર થયું હતું.