- પ્રધાન બનવાની ઈચ્છા નથી: પ્રદ્યુમન સિંહ
- વિકાસના કામમાં હવે વેગ આવશે
- પહેલાથી વધુ સારા કામ થશે
ગાંધીનગર: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને નવેમ્બરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજય મેળવનારા પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 36,778 મતથી વિજયી બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, હું હંમેશા ધારાસભ્ય તરીકે જ કામ કરવાનું પસંદ કરીશ. પ્રધાન પદની મારી કોઈ પ્રકારની ઇચ્છા નથી. કારણ કે હું ઓછું ભણેલો છું. પરંતુ લોક લાગણીના કારણે હું ધારાસભ્ય બન્યો છું. જેથી હું લોકોની સેવા માટે ધારાસભ્ય તરીકે જ કામ રહીશ. એમ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
માળખાકીય કામોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે
જાડેજાએ વધુમાં જણાવ્યું કે, અબડાસા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યાં આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ રસ્તા ગટર લાઈટોની સુવિધા વધુ ઝડપી મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ કોઈપણ ગ્રામ્યનો ખૂણો પણ આંતર માળખાકીય સુવિધાથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખવામાં આવશે, આમ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં માળખાકીય કામને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
બોર્ડર વિસ્તારમાં વધુ કામ થાય તે અપેક્ષાથી ભાજપમાં જોડાયો
જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ બતાવતા જણાવ્યું કે, બોર્ડર વિસ્તારમાં વધુ કામ થાય તે અપેક્ષાથી ભાજપમાં જોડાયો છું, જ્યારે ભાજપમાં જોડાયા બાદ સરકારી ગ્રાન્ટેડ કોલેજ પણ રાજ્ય સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે. આ સાથે જ હવે આગામી આયોજન નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જવાનું પણ સપનું છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે આમ વિકાસના મોટા મોટા કામો અબડાસા વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવશે.