- ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 32 દિવસ ચાલશે
- આ સત્રમાં 22 બેઠકો થશે
- લવ જેહાદનો કાયદો આ સત્રમાં આવશે
રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે સોમનાપથી પ્રારંભ થયો છે. લવ જેહાદને નાથવા અનેક રાજ્યની સરકારો કાયદો લાવી છે, ત્યારે ગુજરાત વિધાનસભાના આ સત્રમાં પણ લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવશે. જેને લઇને બળજબરીથી અને છેતરીને થતા આંતરધર્મીય લગ્નો અટકશે. આ ઉપરાંત ધર્મ સ્વતંત્રતાના કાયદામાં સુધારો કરીને લવ જેહાદથી વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કાયદામાં જોગવાઇ કરવામાં આવશે.
સત્રમાં કુલ 22 કામકાજના દિવસો રહેશે
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 1 એપ્રિલ સુધી એટલે કે એકંદરે 32 દિવસ માટે આ બજેટ સત્ર ચાલશે. પ્રથમ દિવસે બે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકીને તેમજ અગિયાર પૂર્વ ધારાસભ્યના અવસાન અંગે શોકદર્શન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બેઠક મુલતવી રહેશે.
નીતિન પટેલ 9મી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે
બજેટ સત્ર પર બોલતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 3 માર્ચે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 9મી વખત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. કુલ 22 કામકાજના દિવસો રહેશે અને માર્ચ મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે પણ વિધાનસભા ગૃહ કામ કરશે.
ગુજરાત સરકારે બહાર પાડેલા વટહુકમને બિલનું રૂપ અપાશે
રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ ત્રણ બેઠકોમાં થશે. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા ચાર બેઠકોમાં થશે. જુદા-જુદા વિભાગોની માગ પર 12 બેઠક થશે. આ ઉપરાંત ગુજરાત ફિઝિકલ રિસ્પોનસીબીલીટીસ, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને લગતા વટહુકમનું સ્થાન લેતા બિલ લવાશે.