ગાંધીનગર: ગુજરાતની ભાજપ સરકારમાં ક્યાંકને ક્યાંક સરકાર અને સંગઠનમાં કાર્યકર્તાઓનો જ દોષ હોવાનું સામે આવ્યું છે. બરોડાના સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામાનો પત્ર ફરતો કર્યો છે, ત્યારે કેતન ઇનામદારને મનાવવા માટે સંગઠનના પ્રમુખ જીતુ વાઘાણી સવારે બરોડા જવાના હતા અને તેમના મનામણા કરવાના હતા. પરંતુ, તેઓ બરોડા જાય તે પહેલાં જ તેમની તબિયત બગડી હતી અને ઘરની બહાર જ એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદારે પોતાના પત્રમાં સરકાર અને સંગઠનથી નારાજ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ કેતન ઇનામદારે પત્રમાં જણાવ્યું હતું કે, "મારા મત વિસ્તારમાં લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ અને રજૂઆત સંદર્ભે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામ કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી અને મારા સાથી ધારાસભ્યોની પણ અવગણના કરે છે, તે દુઃખની બાબત છે. આમ મારા પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને હું કેતન મહેન્દ્રભાઈ ઇનામદાર સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું."
ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર સાથે ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી બેઠક કરવા માટે બરોડા જવાના હતા. ઇનામદારની જે સમસ્યા છે એ સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ તેઓને રાજીનામું પાછું ખેંચે તે અંગેના પ્રયત્નો કરવાના હતા, પરંતુ તેઓ બરોડા જાય તે પહેલા જ વહેલી સવારે તેમની તબિયત ખરાબ થઈ હતી અને ઘરની બહાર જ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખી દેવામાં આવી હતી.