- ગુજરાત પંચાયત (સુધારા) બિલ-2021 વિધાનસભા ગૃહમાં રજુ કર્યુ
- જયદ્રથસિંહજી પરમારે જરૂરી સુધારા અને આ બિલના ફાયદા વિશે જણાવ્યું
- ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, તટસ્થ અને વધુ પારદર્શક બનાવવા માટે આ બિલ પસાર કરાયું
ગાંધીનગર : રાજ્યમાં પંચાયત સેવાની વર્ગ-3ના તમામ સંવર્ગોની ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આપવાનું ગુજરાત પંચાયત (સુધારા) બિલ-2021, પંચાયત પ્રધાન જયદ્રથસિંહજી પરમારે વિધાનસભા ગૃહમાં રજુ કર્યુ હતું. જેમાં જરૂરી સુધારા અને આ બિલના ફાયદા વિશે જણાવ્યું હતું.
સુધારા બિલથી પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીની પ્રક્રિયામાં એકરૂપતા આવશે
પંચાયત પ્રધાને જણાવ્યું કે, આ સુધારા બિલથી પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીની પ્રક્રિયામાં એકરૂપતા આવશે. હાલમાં દરેક જિલ્લા કક્ષાએ આવી ભરતી કરવાની સત્તા સ્થાનિક જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓને આપવામાં આવેલી છે. પરંતુ પંચાયત સેવા વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં એક સુત્રતા લાવવા, બેવડાપણું નિવારવા, તેમજ ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, તટસ્થ અને વધુ પારદર્શક બનાવવાના હેતુસર આ બિલ પસાર કરાયું હતું.
આ પણ વાંચો : જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે
ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-227 અને કલમ-236માં જરૂરી સુધારા
ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-227 અને કલમ-236માં જરૂરી સુધારા વધારા કરીને પંચાયત સેવા વર્ગ-3ના તમામ સંવર્ગોની ભરતીની સત્તા કલમ-235 હેઠળ રચાયેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આપવા માટે આ જોગવાઇ આજના ગુજરાત પંચાયત બિલથી દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં નોંધાયેલી CRPCની કલમ 188 અંતર્ગતની ફરિયાદો રદ્દ કરવા માગ
ખર્ચમાં વધારો અને ડુપ્લિકેશન થાય નહિ તે માટે આ બિલ
પંચાયત પ્રધાને જણાવ્યું કે, હાલમાં રાજ્ય સરકારના વર્ગ-3ની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેન્દ્રીયકૃત રીતે કરવામાં આવે છે. પંચાયતોમાં આ પ્રક્રિયા જિલ્લા સ્તરેથી અને અલગ રીતે થતી હોવાથી વહીવટી પ્રક્રિયામાં ડુપ્લિકેશન ન થાય, ખર્ચમાં વધારો ન થાય અને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા જળવાય તે માટે આ સુધારા વિધયેક-2021 લાવવામાં આવ્યા છે. પંચાયત (સુધારા) બિલ-2021 વિધાનસભા ગૃહમાં આજ ગુરુવારના રોજ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.