- ગાંધીનગરને અત્યાર સુધીમાં રૂપિયા 686 કરોડના કામોની ભેટ
- ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું મુખ્યપ્રધાને કર્યં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- કોરોના કાળમાં પણ વિકાસ અટકયો નથીઃ વિજય રૂપાણી
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર મહાનગરપાલિકના વિવિધ વિકાસના કાર્યોનું ડિજીટલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યપ્રધાને જણાવ્યું કે, હવે આપણે 24x7 પાણી, મેટ્રો રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિજિટલ સેવાઓથી સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરોના નિર્માણ સાથે આયોજનબદ્ધ વિકાસ અને પ્રગતિની નવી દિશા લીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રૂપિયા 395 કરોડના વિવિધ વિકાસ કામોનું ડિજિટલી લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યું હતું.
ગ્રીન ક્લીન ટ્રાન્સપોર્ટેશન જેવી વ્યવસ્થા ઉભી કરાશે
વિજય રૂપાણીએ આ પ્રસંગે ગાંધીનગર મહાપાલિકા તંત્ર અને પદાધિકારીઓને ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસકામો કરવા માટે અભિનંદન પાઠવ્યાં હતા. મુખ્યપ્રધાને જણાવ્યું કે, છેલ્લા એક-સવા વર્ષથી કોરોના સંક્રમણની વ્યાપકતા વચ્ચે પણ ગુજરાતની વિકાસ ગતિ અટકી નથી. જ્યાં માાનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સરકારે કોરોના કાળમાં રૂપિયા 28 હજાર કરોડના વિકાસ કામો હાથ ધર્યા છે. તેમજ જણાવ્યું કે, હવે આપણે 8 મહાનગરો સહિત રાજ્યના નગરોમાં આધુનિક આયામો સાથે મેટ્રો રેલ જેવી સગવડો આપીને ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન જેવી વ્યવસ્થા ઊભી કરવાની મનસા રાખી છે.
બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે રૂપિયા 14 હજાર કરોડની ફાળવણી કરી
વિજય રૂપાણીએ જણાવ્યું કે, નગરો-મહાનગગરોના વિકાસને વધુ વેગવંતો બનાવવા રાજ્યના આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે રૂપિયા 14 હજાર કરોડની ફાળવણી કરી છે. રૂપાણીએ વિશ્વાસ દર્શાવ્યો કે, આવનારા દિવસોમાં પાટનગર ગાંધીનગરના નાગિરકો પણ વિકાસની આ રાજનીતિને વધાવશે અને ગાંધીનગરના વિકાસ કામો પ્રગતિના આ પથને વધુ ઉન્નત બનાવવામાં પ્રેરણારૂપ બનશે.
ગાંધીનગરમાં જનજીવન સુવિધામાં વધારો
ગાંધીનગરના મેયર રિટાબહેન પટેલે સૌને આવકારી રૂપિયા 317 કરોડના વિવિધ ખાતમૂર્હત અને રૂપિયા 78 કરોડના લોકાર્પણ કામોથી પાટનગરમાં શહેરી જનજીવન સુખકારી સુવિધામાં વૃદ્ધિ થશે તેનો આનંદ વ્યકત કર્યો હતો. ખાતમૂર્હત થયેલા કામોમાં મુખ્યત્વે સોલીડ વેસ્ટ કલેકશન, હયાત આસ્ફાલ્ટ રોડ રિસરફેસ, સી.સી.રોડ નિર્માણ, પાટનગરના 6 પ્રદેશદ્વાર પર ગેન્ટ્રી, બે અંડરપાસ, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાપાલિકા કચેરી લોકાર્પણ, નવા વ્હીકલ પૂલનું બાંધકામ અને ચ-0 સર્કલ ખાતે 30 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ પોલના કામોના ડિજિટલી લોકાર્પણ-ખાતમૂર્હુત મુખ્યપ્રધાને કર્યા હતા.