- કોરોના રસીકરણમાં ગુજરાતે હાંસલ કરી વધુ એક સિદ્ધિ
- મિલિયન વેક્સિનેશનમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર
- પ્રથમ ડોઝની સામે વેક્સિનનો બીજો ડોઝ લેનારાઓની સંખ્યા ઓછી
ગાંધીનગર: ગુજરાતે આજે રવિવારે કોરોના વેક્સિનેશનના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે. ગુજરાત મિલિયન વેક્સિનેશનમાં પણ દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. મુખ્યપ્રધાને રાજ્યના આરોગ્ય કર્મીઓને આ વ્યાપક રસીકરણ દ્વારા વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સિનેશન અભિયાનમાં આવરી લેવાની કર્તવ્યનિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા છે. જોકે પહેલા ડોઝની કામગીરી સરાહનીય જરૂર છે પરંતુ બીજો બહુ ઓછા લોકોને હજુ સુધી મળ્યો છે.
રાજયમાં અત્યાર સુધીમાં 3,03,22,944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અપાયો
રાજ્યમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લાભાર્થીઓને આપવાની કામગીરી ઘણી ઝડપી થઈ રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 3,03,22,944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અપાયો છે. રાજ્યમાં શહેરો ઉપરાંત ગ્રામ્ય લેવલે પણ લોકો વેક્સિન લેવા અંગે પહેલા કરતા વધુ જાગૃત થઈ રહ્યા છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર આવ્યા બાદ વેક્સિનેશન કાર્ય ઝડપી બન્યું છે. આ પહેલા રાજ્ય સરકારે દિવસમાં 5 લાખ લાભાર્થીઓને આપવાનો ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ વેક્સિનના અભાવે ટાર્ગેટ પૂર્ણ થઇ શક્તો નથી. જેથી અત્યારની પરિસ્થિતિમાં રોજ સરેરાશ 3.6 લાખ લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી રહી છે.
97,38,764 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયો
પ્રથમ ડોઝ જેટલો ઝડપી આપવામાં આવી રહ્યો છે. તેમાં બીજા ડોઝ માટે ઘણીવાર લાગી રહી છે. કેમ કે, પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો વધુ હોવાથી બીજો ડોઝ લેવામાં લાભાર્થીઓને વાર લાગી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 97,38,764 લાભાર્થીઓને બીજો ડોઝ એમ કુલ 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જોકે 4.90 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવાનો ગુજરાત સરકારનો ટાર્ગેટ છે. ગુજરાત રાજ્યની વસ્તી પ્રમાણે 18 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવામાં આવી રહી છે. બીજો ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં ઘણો સમય નીકળી શકે છે.