રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલા પરીક્ષામાં એકથી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-2019માં લેવાયેલ પરીક્ષાનું વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવેલ ન હતું. આ બાબતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને રજૂઆત થતા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઈટિંગ લિસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
જાડેજાએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા લેવાઇ રહેલા પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણીવાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂંક થતાં પણ નોકરી છોડીને જતાં રહેતા હોય છે. તેમજ ઉમેદવારોની વયમર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલી જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-2019માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવશે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 1.20 લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા 11 વર્ષમાં 67 હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં 8,135 યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. તેમજ 1,578 જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે તેમ તેમણ ઉમેર્યું હતું.