- ખાણ ખનીજ વિભાગમાં હવે ટેકનોલોજી આવશે
- ખનન ચોરી અટકાવવા માટે સરકાર વાહનોમાં લગાવશે GPS સિસ્ટમ
- 3 લાખ વાહનોમાં મુકવામાં આવશે GPS સિસ્ટમ
- ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવશે સિસ્ટમ રૂમ
ગાંધીનગર: રાજ્યમાં ગત કેટલાય વર્ષોથી ખાણ ખનીજ વિભાગમાં ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ સરકાર ચોરીના કિસ્સાઓને ડામવામાં નિષ્ફળ રહી છે. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગમાં ચોરી અટકાવવા માટે હવે તમામ વાહનોને GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ખાણ ખનીજમાં ચોરી અટકાવવા માટેની મહત્વની જાહેરાત કરશે.
3 લાખ વાહનોના મુકવામાં આવશે GPS સિસ્ટમ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં જે જગ્યા ઉપર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલી જમીનમાં જે વાહન રજીસ્ટર કરવામાં આવ્યા છે, તે વાહનોમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ ૩ લાખ જેટલા વાહનો ખાણ અને ખનીજ વિભાગમાં લીઝ પર આપેલી જમીન પર કાર્યરત રહેતા હોવાનું રજીસ્ટર કરવામાં આવ્યું છે, ત્યારે આ તમામ વાહનોમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. GPS સિસ્ટમ ગાંધીનગર સાથે 24 કલાક કનેક્ટેડ રહેશે અને વાહનોના મૂવમેન્ટ પર પણ 24 કલાક સર્વેલન્સ કરવામાં આવશે.
વેપારી સ્ટોક દબાવી નહીં શકે
ઉલ્લેખનીય છે કે, વાહનો દ્વારા માલસામાનની વહન થતું હોય છે, ત્યારે વર્તમાન સમયમાં પણ સમય બહાર કોઈનું ધ્યાન ન હોય ત્યારે રેતી અથવા તો ખાણ ખનીજ જેવી કીમતી વસ્તુઓનો વેપારીઓ દ્વારા વધારાનો સ્ટોકમાં કરવામાં આવતો હોય છે. જ્યારે આ સ્ટોક સરકારી ચોપડે બતાવતો નથી, પરંતુ જો આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો વેપારી પોતાના સ્ટોક દબાઈ શકશે નહીં. વેપારી પાસે કેટલો સ્ટોક છે તે પણ ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં તમામ વિગતો પ્રાપ્ત થતી રહેશે. આમ આ સિસ્ટમ આવવાના કારણે વેપારી પણ પોતાનો વધારાના સ્ટોક દબાઈ શકશે નહીં અને તેમને સરકારી ધારાધોરણ પ્રમાણે જ મળ્યું હશે તેટલું જ મળવા પાત્ર રહેશે.
ખનીજની વિગતો આપવાની રહેશે
આ સિસ્ટમ લાગુ કર્યા બાદ વેપારીઓએ ટ્રકમાં કેટલું ખનીજ છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે, એ અંગે ઓનલાઈન માહિતી મુકવાની રહેશે. આ માહિતી વિનાની ટ્રકને લીઝ બહાર નીકળવા દેવામાં આવશે નહીં.
સિસ્ટમથી રોયલ્ટી વધશે, સરકારની આવક વધશે
રાજ્યમાં ખાણ અને ખનીજ વિભાગના તમામ વાહનોમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ લાગવાથી રાજ્ય સરકારને આવકમાં વધારો થશે અને રોયલ્ટી પણ વધશે.