ગાંધીનગરઃ સરકારી કચેરીઓ શરૂ કરવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે અગાઉ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની કચેરીઓ નિયંત્રિત સ્ટાફ અને કોરોના વાઇરસ સંક્રમણ સામે પૂરતા તકેદારીના ઉપાયો સાથે 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. તેમજ કોવિડ-19ના ચેપ નિયંત્રણ કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ, કલેક્ટર તંત્ર, પંચાયત તંત્ર, નગરપાલિકા, મહાનગરપાલીકાની આવશ્યક સેવાઓ, પોલીસ, ગેસ, ઇલેકટ્રીકસિટી સાથે જોડાયેલી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. ઉપરાંત હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોની કચેરીઓ ચાલુ નહિ કરાય અને આવા વિસ્તારના કર્મચારીઓ, અધિકારીઓને પણ ફરજમાંથી મુકિત આપવામાં આવશે.
કોરોના વાઇરસના કારણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશને બીજી વખત લોકડાઉન કર્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા લોકડાઉનના સમય દરમિયાન 20 એપ્રિલથી અમુક સેવાઓ શરૂ કરવાની છૂટ આપી હતી. તે અંતર્ગત 20 એપ્રિલને સોમવારથી રાજ્ય સરકારની તમામ કચેરીઓનો પ્રારંભ થયો છે. પરંતુ તમામ સરકારી કચેરીઓએ અમુક શરતોને આધીન કચેરી શરૂ કરવાની રહેશે. 20 એુપ્રિલે સચિવાલયમાં પણ સરકારી કર્મચારીઓએ પોતાના સમય અનુસાર કચેરીમાં પ્રવેશ મેળવ્યો હતો.
તા. ર૦ એપ્રિલથી તા. ૩ મે સુધી સરકારની કચેરીઓ સિમીત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.
• જે વિસ્તારમાં કોરોના વાઇરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહિ. આ વિસ્તારોમાં રહેતા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ નિયંત્રીત સિમીત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ અપાઇ છે.
• વર્ગ-૧ અને ર ના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા વિભાગ કે કચેરીના વડાની સુચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે. અને વર્ગ-૩ અને તેનાથી નીચેના કર્મચારીઓના સંબંધમાં ૩૩ ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફોર્મ હોમ કરવાનું રહેશે.
• દરેક કચેરીના બધાં કર્મચારીઓએ કામના સ્થળે ફરજિયાતપણે માસ્ક/ફેસ કવર પહેરવાનું રહેશે અને વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનો અને યંત્રસામગ્રીને સ્પ્રે કરીને ચેપ રહિત બનાવવામાં આવશે.
• કામના સ્થળે પ્રવેશતા અને ત્યાંથી વિદાય લેતાં દરેક વ્યકિતનું ફરજિયાત થર્મલ સ્કેનિંગ કરવાનું રહેશે. એટલું જ નહિ પ્રવેશ તથા બહાર જવાના તમામ સ્થળોએ અને સહિયારા ઉપયોગના વિસ્તારને, હાથ ધોવાની અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
• લિફટ્સમાં ૨ અથવા ૪ વ્યકિતઓ કરતા વધુ વ્યકિતઓને બેસવા દેવાશે નહિ તેમજ અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે,
• કામના સ્થળોએ બેઠકમાં પાંચ અથવા તેથી વધુ વ્યકિત ભેગા ન થાય તેની તાકિદ કરવામાં આવી છે તેમજ બેઠકો વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવાનું રહેશે.