- લવ જેહાદ શબ્દોનો કાયદામાં ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી
- માતા-પિતાની પરવાનગી વગર દીકરીના લગ્ન ન થાય તેવો કાયદો બનાવવો જોઈએ
- માતા-પિતાની પ્રોપર્ટી ઉપર જે રીતે દીકરીનો ભાગ છે, તેવી જ રીતે માતા-પિતાનો પણ દીકરી પર અધિકાર છે
ગાંધીનગર: ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા બિલને લઇને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કહ્યું કે, બિલમાં સરકાર ફક્ત પોતાનો રાજકીય એજન્ડા દર્શાવી રહી છે. કોઈ એક ધર્મને ટાર્ગેટ કરી શકાય નહીં. રાજ્ય સરકાર સુધારો લાવવા માગતી હોય તો માતા-પિતાની મંજૂરી વગર કોઈપણ દીકરી પોતાના લગ્ન ન કરી શકે તેવો કાયદો લાવવો જોઈએ.
આ પણ વાંચો: વિધાનસભામાં લવ જેહાદ બિલ: કોંગી ધારાસભ્યોનો એકસૂર, બિલમાં ક્યાંય લવ જેહાદ શબ્દ જ નથી
દીકરી ઉપર માતા-પિતાનો અધિકાર
જે રીતે માતા-પિતાની તમામ પ્રોપર્ટી પર દીકરીઓને અધિકાર છે. તેવી જ રીતે દીકરી ઉપર પણ માતા-પિતાનો અધિકાર છે. સામાજિક વ્યવસ્થા પ્રમાણે દીકરીના લગ્ન કઈ જગ્યાએ કરાવવા તેની જવાબદારી માતા-પિતાની અને તેની આસપાસના સગા-સંબંધીઓની હોય છે. ત્યારે ગેનીબેન ઠાકોર વિધાનસભામાં પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને લઈને પોતાનો એજન્ડા બનાવવા માટે બિલ લાવી રહી છે. 2003માં લાવવામાં આવેલા કાયદામાં ફરીથી 2021માં સુધારો કરવામાં આવી રહ્યો છે. પ્રતિત થઈ રહ્યું છે કે, ગૃહ વિભાગની કામગીરી ખાડે પડી છે. દીકરીઓની સુરક્ષા ભાજપની સરકાર નથી કરી શકતી, તેને લઈને ફરીથી 2021માં કાયદો લાવી રહી છે.
આ પણ વાંચો: વિધાનસભામાં લવ જેહાદ બિલ: ગૃહ પ્રધાને કહ્યું, મારા જીવનમાં સૌથી મહત્વનું બિલ રજૂ કરવાની તક મળી છે