- ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
- ચ-0 સર્કલ પર ગાંધીનગર પ્રવેશદ્વાર બનાવવામાં આવશે
- ગાંધીનગર શહેરમાં અંડર ગ્રાઉન્ડ ડસ્ટબિન યોજના મંજૂર
ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે શનિવારે સ્ટેન્ડિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેન્ડિંગ કમિટીમાં પાટનગર ગાંધીનગરમાં ચ-0નો પ્રવેશદ્વાર અને ભૂગર્ભ કચરાપેટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
ગાંધીનગર ચ-0 સર્કલ પર ગાંધીનગર પ્રવેશદ્વાર બનશે
સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા સર્કલ પર ગાંધીનગર શહેરના પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. 7 લાખના ખર્ચે એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ચ-0 સર્કલ પાસે 30 મીટર ઊંચો રાષ્ટ્રધ્વજ પુલ બનાવવાનો નિર્ણય પણ આજે શનિવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
નવા વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા વ્યવસ્થા
ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં જે વધારાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે જુદી ટેન્ડર પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવા વિસ્તારો કે જે હમણાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યા છે, ત્યાં હવે ગાંધીનગર શહેરની જેમ નવા વિસ્તારોમાં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન શરૂ કરવામાં આવશે.
ભૂગર્ભ ડસ્ટબિન યોજનાને મંજૂરી
ગાંધીનગર શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અંગે પણ આજે શનિવારની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે હવે ચર્ચા બાદ ભૂગર્ભ ડસ્ટબિન યોજનાને પણ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મેયર રીટા પટેલની ગ્રાન્ટમાંથી ICU ON VEHICLE ખરીદી મુદ્દે ચર્ચા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રીટા પટેલની ગ્રાન્ટમાંથી આઇસીયુ ઓન વહીલની ખરીદી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એક સારી સુવિધાવાળી એમ્બ્યુલન્સ ખરીદવા માટેની ટ્રેનિંગ અંગે પણ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે કમિટીમાં ચર્ચા કર્યા બાદ મંજૂર કરવામાં આવી છે. આમ આજે શનિવારની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ મુદ્દા ઉપર હકારાત્મક વલણ રાખીને તમામ યોજનાઓ અને મંજૂરી આપવામાં આવી છે.