- 10 એપ્રિલના રોજ સ્થગિત થયેલી ચૂંટણી ફરી યોજાશે
- 2010માં કોર્પોરેશનની ચૂંટણીની શરૂઆત થઇ હતી
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો મત વિસ્તાર છે ગાંધીનગર
ગાંધીનગર : મહાનગરપાલિકાની ચૂંટણી રાજકીય રીતે મહત્ત્વની હોય છે. કેમકે આ ગાંધીનગર અમિત શાહનો મત વિસ્તાર છે. આ ઉપરાંત દર વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ જામતો હોય છે, ત્યારે આ વખતે આપ જોડાતા ત્રિપાંખિયા જંગ ચૂંટણીમાં જોવા મળશે. પહેલા 18 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને જોતા ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી, ત્યારે 44 બેઠકો માટે 233 જેટલા ફોર્મ શરૂઆતમાં ભરાયા હતા. 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી જંગ જામશે, ત્યારે અત્યારથી જ રાજકીય હલચલ અને મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે.
ગાંધીનગરમાં 2,82,054 મતદારો, પુરુષ મતદાતાની સંખ્યા વધુ
ગાંધીનગરમાં કુલ 2,82,054 મતદારો છે. જેમાં પુરુષ મતદાતાની સંખ્યા 1,45,215 છે, જ્યારે સ્ત્રી મતદાતાઓની સંખ્યા 1,36,830 છે. જેમાં સૌથી મોટો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 છે. જેમાં શરૂઆતમાં 52 જેટલા ફોર્મ ભરાયા હતાં. જો કે, ઘણા ફોર્મ પરત પણ ખેંચાયા છે. ગાંધીનગરના મતદાન મથકની જો વાત કરવામાં આવે તો કુલ 284 મતદાન મથકો છે. જેમાં 129 સંવેદનશીલ અને 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો આવેલા છે. મુખ્ય ચૂંટણીમાં ચૂંટણી અધિકારીની સંખ્યા પાંચ રહેશે, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પણ પાંચ રહેશે. ગાંધીનગરમાં 1,270 પોલીસ સ્ટાફ ચૂંટણીમાં કામગીરીમાં જોડાશે.
ગાંધીનગરમાં 2010થી મનપા ઇલેક્શનની શરૂઆત થઈ
ગાંધીનગરમાં 2010થી મનપા ઇલેક્શનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પહેલીવાર ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે બીજીવાર ઇલેક્શન થયું ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાતા ભાજપે સત્તા પર આવી જીત મેળવી હતી. ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી દર વર્ષે ચર્ચામાં રહે છે, ત્યારે આ વખતે પણ આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠક પર ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખિયા જંગ જોવા મળશે.
બે ઉમેદવારનું મૃત્યુ થવાથી બન્ને વોર્ડમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા 19 માર્ચના રોજ કાર્યક્રમ જાહેર કરાયો હતો, ત્યારે આજે ફરી નવો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જો કે, ચૂંટણી 10 એપ્રિલે સ્થગિત રાખવામાં આવી હતી. વોર્ડ નંબર 8માં બહુજન સમાજ પાર્ટીના હરીફ ઉમેદવારનું મૃત્યુ થયું હતું અને વોર્ડ નંબર 9માં આમ આદમી પાર્ટીના હરીફનું પણ મૃત્યુ થયું હતું. જેથી 18 સપ્ટેમ્બરના રોજ નવા ઉમેદવારી પત્રો ભરી શકાશે. પાંચ ઓક્ટોબરના રોજ મતગણતરી બાદ 8 ઓક્ટોબરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મનપામાં 18 ગામડાનો સમાવેશ કરાયો
ગાંધીનગર કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મનપામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકામાં 3 વોર્ડ અને 12 કાઉન્સિલરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. કાઉન્સિલરોની સંખ્યા 32થી વધીને 44 થઈ છે. નવા સીમાંકન બાદ પાલિકામાં 11 વોર્ડ થયા છે અને 44 કાઉન્સિલરો થયા છે. 5 બેઠકો SC માટે રિઝર્વ રાખવામાં આવી છે, જેમાંથી ત્રણ મહિલાઓ માટે હશે. ST માટે 1 બેઠક અનામત રખાઈ છે, જ્યારે 4 બેઠકો OBC માટે અનામત રખાઈ છે, જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે રિઝર્વ્ડ રહેશે.