ગાંધીનગરઃ કોરોનાની મહામારીમાં રક્ષાબંધનની ઉજવીને કોરોના વોરિયર્સને બિરદાવવામાં આવ્યા હતા. મેયર રીટાબેન પટેલે સોમવારના રોજ કોરોના વોરિયર્સને રક્ષા સુત્ર બાંધ્યું હતુ. કોરોનાં વોરિયર્સ કહેવાતા આરોગ્ય, પોલીસ અને સફાઇકર્મી ભાઇ, બહેનોનું સન્માન કર્યું હતુ. વૈશ્વિક મહામારી કોરોના સામે દેશની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઇ કર્મયોગીઓનું સન્માન કરવા સાથે મેયર રીટાબેન પટેલ દ્વારા તેમને રાખડી બાંધવામાં આવી હતી. મેયરે સવારે 11 કલાકે આ કાર્યક્રમનું આયોજન સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે કર્યું હતું.
મેયર રીટા પટેલે જણાવ્યું કે, કોરોના વાઈરસની દવાની શોધ હજુ થવામાં છે. ત્યારે માર્ચ મહિનાથી ગાંધીનગરમાં કોરોના વોરિયર બનીને ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઇ કર્મયોગીઓ તેની સામે જીવના જોખમે લડત આપી રહ્યાં છે. તેમનું સન્માન કરવું એ મારા માટે ગૌરવની વાત છે. સોમવારે સવારે ગાંધીનગરમાં ફરજ બજાવતા આ તમામ કોરોનો વોરિયર્સને રક્ષા સુત્ર બાંધવામાં આવ્યા હતાં અને તેમની અમૂલ્ય સેવાની કદર કરી હતી.