ગાધીનગરઃ મહાનગર પાલિકાની પેટા સમિતિની બેઠક મળી હતી, જેમાં સફાઇ કામગીરીને લઇ કોન્ટ્રાક્ટરને 36 લાખ રૂપિયા જેટલી માતબર રકમના બિલની ચુકવણીને લઇ ગરમાં ગરમી થઈ હતી. મુખ્ય પ્રધાનના દરબાર સુધી રજૂઆત બાદ પણ મ્યુનિસિપલ કમિશ્નર અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ઉકેલાયો નથી.
ગાંધીનગર મનપાની હદ વધવાની સાથે શાસક પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચેના અંતરમાં પણ વધારો થયો છે. લાંબા સમયથી સ્થાયી સમિતીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર હાજર ન રહેતા હોવાના મામલે પ્રભારી પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારે સ્થાયી સમિતીએ નિમેલી બે પેટા સમિતીની બેઠક બોલાવાઈ હતી. બપોરે 12.30 કલાકે સફાઈ એજન્સીને રૂપિયા 36 લાખની બારોબાર ચૂકવણીના મામલે તથ્યોની તપાસ કરવા બનેલી સમિતીની બેઠક મળી હતી. ત્યારબાદ ભરતી મામલે આક્ષેપો સંદર્ભે બનેલી તપાસ સમિતીની પણ બેઠક મળી હતી. આ બંને બેઠકમાં કમિશ્નરની હાજરી અપેક્ષિત હતી. છેલ્લી છ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગેરહાજર રહેનારા કમિશ્નર આ વખતે પણ હાજર ન હતા. સમિતીના સભ્યોએ આ મામલે આક્રોશ ઠાલવ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા સતત અવગણના થતી હોવાનું જણાવ્યું હતું.
વિવાદાસ્પદ કામગીરી અને નિર્ણયોની ફાઈલ પણ અધિકારીઓને ન આપતા હોવાનું જણાવીને પૂર્વ ચેરમેન મનુ પટેલ સહિતના સભ્યો ઉશ્કેરાયા હતા અને તપાસ સમિતીની બેઠક મુલતવી રખાઈ હતી. કોર્પોરેશનનું વહીવટી તંત્ર મનમાની કરતું હોવાના આક્ષેપો અને તેને લગતા પુરાવા સાથે સ્થાયી સમિતીના સભ્યો અને ચેરમેન પ્રભારી પ્રધાનને મળવા પહોંચ્યા હતા. પ્રભારી પ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ, પ્રભારી પ્રધાન સાથે મુલાકાત બાદ સાંજ સુધી સ્થાયી સમિતીના સભ્યો રોકાયા હતા. આગામી સમયમાં નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રદાન સમક્ષ આ મામલે રજૂઆત કરવા અંગે તેમણે ચર્ચા કરી હતી. તેમજ રજૂઆતને વધુ અસરકારક બનાવવા માટે સંબંધિત વિગતો અને દસ્તાવેજો એકત્ર કરવાની કવાયત હાથ ધરાઈ હતી.