ગાંધીનગર: જિલ્લા NSUI પ્રમુખ તરીકે અમિત પારેખ બે વર્ષ કરતાં વધુ સમયથી પદભાર સંભાળી રહ્યાં છે. તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણ સંબંધિત આવેદનો આપી અને જાહેર કાર્યક્રમો કરીને સમસ્યાનું સમાધાન લાવવાના અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષિત યુવાનોને ફાયદો પણ થયો છે.
આઈઆઈટીમાં કોરોના કાળ દરમિયાન પરીક્ષા લેવાતી હોય કે, જિલ્લાની ખાનગી શાળાના સંચાલકો દ્વારા વધુ ફી લઈને વાલીઓના ખિસ્સા કરવામાં આવતા હોય આ તમામ બાબતે કાર્યક્રમો આપ્યા છે અને પોલીસ ધરપકડ પર વ્હોરી છે. જ્યારે હાર્દિક પટેલને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.
તેમના દ્વારા જ અમિત પારેખને પ્રવાસ દરમિયાન સાથે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ અમિત પારેખ રાજ્યમાં જ્યારે પણ NSUIના કાર્યક્રમો થતા હોય તે સમયે પહોંચી જઈને પોતાની હાજરી પુરાવી છે. ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ મહિપાલ ગઢવી દ્વારા અમિતને NSUIના પ્રમુખ હોવા છતાં ઓછા કાર્યક્રમો કરવામાં આવ્યા હોવાનું બહાનું બતાવીને ઈ-મેલ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
જે એ બતાવી રહ્યું છે કે, પ્રદેશ પ્રમુખ હોવા છતાં હાર્દિકની નજીક નહી પહોંચતા સારી કામગીરી કરતા પ્રમુખ સામે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાથી લઈને પ્રભારી રાજીવ સાતવને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ ગઢવી સામે કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ગઢવીને આ કિન્નાખોરી બદલ પર પદભ્રષ્ટ કરવામાં આવે તો પણ નવાઈ નહીં.