ગાંધીનગરઃ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વોરિયર્સની હાલત સૌથી ખરાબ થઈ રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એનેસ્થેટિક તબીબ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય તબીબોના સેમ્પલ લેવામાં નહીં આવતા ભયભીત થઈ ગયા છે, ત્યારે ગાંધીનગર સિવિલ પણ LG હોસ્પિટલના રસ્તે જઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.
સરકાર દ્વારા કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોય તે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે, તેની સાથે હવે હોસ્પિટલોમાં ટેસ્ટ પણ ઘટાડી દેવામાં આવી ગયા હોય તેવું ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બનાવ પરથી જોવા મળી રહ્યુ છે.
શુક્રવારે ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા એક એનેસ્થેટિક પોઝિટિવ આવ્યો હતો. હવે આ તબીબના સંપર્કમાં આવેલા અન્ય એક પણ વ્યક્તિનો ટેસ્ટ કરવાનો હોસ્પિટલ દ્વારા ના પાડવામાં આવી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે વહાલા-દવ્લાની નીતિ કરવામાં આવી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. એક તબીબને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેઓ તે જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ મહિને એકવાર મુલાકાત લેતા હોય તેવા આ તબીબનો ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ એનેસ્થેટિક તબીબના સંપર્કમાં આવેલા તબીબોના ટેસ્ટ કરવામાં આવતા નથી, જેને લઇને આવા તબીબોમાં છૂપો રોષ ફાટી નીકળ્યો છે. આ તબીબોના ટેસ્ટ શા માટે કરવામાં નથી આવતા તે તો સિવિલના સત્તાધીશો જ જણાવી શકે છે પરંતુ આ પ્રમાણે ખરા અર્થમાં કહેવાતા કોરોના વોરિયર્સના ટેસ્ટ કરવામાં વહાલા-દવ્લાની નીતિ કરવામાં આવે તે યોગ્ય નથી.
સિવિલ હોસ્પિટલમાં અગાઉ એક તબીબ બ્રધર અને એનેસ્થેટિક તબીબ પોઝિટિવ આવ્યો છે ત્યારે રવિવારે પણ વધુ બે તબીબ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક 48 વર્ષીય એનેસ્થેટિક કે જે કોરોના વાઇરસ ઈંચાર્જ છે તે તબીબનો સમાવેશ થાય છે જે અમદાવાદ રહે છે. જ્યારે એક એમબીબીએસનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ તેનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
સિવિલમાં ખાનગી તબીબોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ સિવિલમાં જ ફરજ બજાવતા તબીબોના રિપોર્ટ કરવામાં આવતા નથી. ત્યારે આ જ પ્રકારની નીતિ રાખવામાં આવશે તો તબીબો આગામી સમયમાં હડતાલ ઉપર જશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે.