ગાંધીનગરમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા
- ગાંધીનગર તાલુકામાં 3, દહેગામમા 1, કલોલ તાલુકામાં 10 અને ગાંધીનગર શહેરમા 7 નવા કેસ
- જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 500
ગાંધીનગરઃ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ગાંધીનગર તાલુકામાં 3, દહેગામમા 1, કલોલ તાલુકામાં 10 અને ગાંધીનગર શહેરમા 7 સહિત 21 નવા કોરોનાના પોઝિટીવ કેસ આવ્યાં છે. જેમા ગૃહિણી, નોકરિયાત સહિત છુટક મજૂરી કરતા લોકોનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરના સેક્ટર 29માં રહેતી 33 વર્ષીય યુવતી જે અમદાવાદ દૂરદર્શનમાં ફરજ બજાવે છે. તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં સેકટર-24માં શ્રી નગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય યુવક કે જે દાબેલી ની લારી ધરાવે છે તેને પણ કોરોના થયો છે. તેમજ સેક્ટર 4Bમાં રહેતા અને ગાંધીનગર જીઇબીમાં ફરજ બજાવનાર 52 વર્ષિય આધેડ, સેક્ટર 2Aમાં રહેતા 36 વર્ષીય યુવક કે જે ખાનગી ફાઇનાન્સનો બિઝનેસ કરે છે. સેક્ટર24 ડબલ ડેકરમાં રહેતી 61 વર્ષીય ગૃહિણી, સેક્ટર 24 આદર્શનગરમાં રહેતા 54 વર્ષીય આધેડ, જ્યારે સેકટર-12માં રહેતા 35 વર્ષીય યુવક અમદાવાદ ખાતે નવરંગપુરા એસબીઆઈમાં ફરજ બજાવે છે તે પણ કોરોના સંક્રમિત થયો છે.
ગાંધીનગર તાલુકાના કુડાસણ ગામમાં 54 વર્ષીય મહિલા, લીંબડીયા ગામમાં 45 વર્ષીય મહિલા અને મહુન્દ્ર ગામમાં 47 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. કલોલ તાલુકામાં સઇજ ગામમાં 49 વર્ષીય પુરૂષ, 42 વર્ષીય મહિલા, 20 વર્ષીય યુવતી અને 11 વર્ષીય કિશોર, રાંચરડા ગામમાં 22 વર્ષીય યુવતી, ગોલથરા ગામમાં 22 વર્ષીય સ્ત્રી, છત્રાલ ગામમાં 67 વર્ષીય મહિલા અને કલોલ શહેરમાં 59 અને 74 વર્ષીય પુરૂષ તેમજ 30 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે 7 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. ગાંધીનગર તાલુકાના 59 અને 53 વર્ષીય પુરૂષનું મૃત્યૃ પણ થયું છે. દહેગામ તાલુકાના બહિયલમાં સાઈબાબા ક્લિનિક ધરાવતા તબીબ કોરોનાથી સંક્રમિત થયા છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 500 થયો છે. જેમાં 108 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 348 વ્યક્તિઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 37 વ્યક્તિઓના મૃત્યૃં થયા છે. તેમજ 15,436 વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 15,398 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઇન જ્યારે 8 વ્યક્તિઓ સરકારી ફેસીલીટીમાં કોરેન્ટાઇન અને 30 વ્યક્તિઓને ખાનગી ફેસીલીટીમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.