- મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય
- વેક્સિનની પ્રક્રિયા વેગવંતી બનશે
- સ્લોટ મેળવ્યો છે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે
ગાંધીનગર : રાજ્યમાં હાલ 18થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવે છે પણ હવે થી વૉક ઇન વેક્સિનેશન(walk in vaccination) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી વિશ્વ યોગ દિવસ(world yoga day 2021) તારીખ 21મી જૂન 2021થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટેની આ વ્યવસ્થા કરી છે.
21 જૂન વિશ્વ યોગ દિવસથી આ રીતે વેક્સિન લઈ શકાશે
અગાઉથી રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યપ્રધાન વિજયરૂપાણી(CM Rupani) ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પહેલાથી રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વૉક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી જેમણે SMS દ્વારા સમય-સ્થળ-તારીખનો સ્લોટ મેળવ્યો છે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.
2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ સાથે દેશભરમાં ગુજરાતે અગ્રિમ સ્થાને
કોરોનાથી બચવાના અકસીર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે. ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે. આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે. ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ બનશે.
16 જાન્યુઆરીથી થયો હતો વેક્સિનનો પ્રારંભ
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી તબક્કાવાર વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, 1લી માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, 1લી એપ્રિલથી શરુ થયેલા ત્રીજા તબક્કામાં 45થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં 18થી 44 વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. હેલ્થ વર્કર ફ્રન્ટલાઈન વર્કર અને કોમોર્બીડ વ્યક્તિઓના સફળ રસીકરણ અભિયાનના અમલીકરણ બાદ રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિન-1લી મેથી રાજ્યના યુવાનોને રાજ્યના 7 મહાનગરો અને 3 જીલ્લામાં રોજના 30 હજાર ડોઝ આપી યુવાનોનું રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો: Corona Vaccination : રાજ્યમાં 2 કરોડનો ડોઝ આપવામાં આવ્યા, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ