ગાંધીનગરઃ નિવૃત્તિ પછી આઉટસોર્સિગથી કામ કરતાં નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેશ છાયાને પૂર્વ ચેરમેન મનુભાઈએ ડેપ્યુટી કમિશ્નરની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને સ્વિપર મશીન અંગે સવાલો પૂછ્યા હતા. ધર્મેશભાઈ માહિતી ન આપતા હોવાનું લાગતા ઉશ્કેરાયેલા મનુભાઈ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરની હાજરીમાં જ તેમને અપશબ્દો બોલી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. મ્યુનિસિપલ કમિશનર અને પ્રધાન કૌશિક પટેલની લેખિત રજૂઆત બાદ સે-7 પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનુભાઈ પટેલે ‘મારી પાસે રિવોલ્વર છે’ કહીને મારી નાખવાની ધમકી આપતા પોલીસ દોડતી થઈ હતી.
નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની ચેમ્બરમાં આ ઘટના બની ત્યારે મનુભાઈની સાથે બે મહિલા કાઉન્સિલરોના પતિદેવ પણ હતા. અધિકારીએ કમિશ્નરથી માંડીને પોલીસ સુધી વિવિધ સ્તરે રજૂઆતો કરાતા બુધવારે સવારથી શાસક પક્ષ ભાજપના સભ્યો દોડતા થયા હતા. આ દ્વારા સમગ્ર ઘટનામાં પોલીસ પર ઉચ્ચ સ્તરેથી દબાણ લાવવાના પ્રયાસ પણ હાથ ધરાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શાસક પક્ષના સભ્યોનું ટોળું બુધવારે ગૃહપ્રધાનને મળવા દોડી ગયુ હતું. જો કે તેઓ હાજર ન હોવાથી સભ્યોએ પ્રભારીમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ ચકચારી કેસમાં રાજકીય દબાણ સામે પોલીસ ઝૂકી જાય છે કે તપાસ આગળ વધારે છે તે જોવું રહ્યું.
સમગ્ર ઘટના અંગે વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ‘સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો પ્રજાના હિતલક્ષી પ્રશ્નો મુદ્દાઓ અંગે મર્યાદામાં રહીને ચર્ચા કરે છે, પરંતુ તે સમયે પોલીસ કાફલો બોલાવી લેવામાં આવે છે. આજે ભાજપના કોર્પોરેટરે ગોળી મારવાની ધમકી આપી છે, ત્યારે તંત્ર કે મેયર કેમ ચૂપ બેઠા છે. અધિકારીને અપમાનિત કરી ધમકી આપવાની આ ઘટનામાં તંત્ર કે મેયરે પોલીસમાં જાણ કરીને પગલાં લેવા જોઈએ.