- વિદ્યાર્થીઓ, વાલીઓના ઉગ્ર વિરોધ છતાં પણ પરીક્ષાનું આયોજન
- એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે
- ધોરણ 10ના સૌથી વધુ 9,350 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગાંધીનગર : રાજ્યભરમાં આવતીકાલ ગુરૂવારથી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં પણ વિદ્યાર્થીઓ નિશ્ચિત કરાયેલા પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. આ સાથે, કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ કરાવવામાં આવશે. આથી, સ્કૂલ સંચાલકો દ્વારા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં પદ્ધતિસર બાકડા ગોઠવવા, બ્લોક પ્રમાણે વિદ્યાર્થીઓને કઈ રીતે બેસાડવા, સેનેટાઈઝ કરવું વગેરે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા: હાઈકોર્ટ
ધોરણ 10ના 9,350 અને 12ના 4,500 વિદ્યાર્થીઓની પરીક્ષા
ધોરણ 10 અને ધોરણ 12 ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી, જો કે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકારના આ નિયમનો વિરોધ પણ કર્યો હતો, તેમ છતાં પણ હજુ સુધી આ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય રીપીટર વિદ્યાર્થીઓના પક્ષમાં સરકાર તરફથી લેવામાં આવ્યો નછી. આથી, અંતે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન 15 જુલાઈએ એટલે કે આવતીકાલે કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10ના 9,350 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12ના 4,500થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 40 જેટલી સ્કૂલોમાં આ રીપીટર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ બેન્ચ સેનેટાઇઝ કરવામાં આવી
કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેના માટે પરીક્ષા ખંડમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવશે, જે હેતુથી પરીક્ષાના એક દિવસ પહેલા જ ક્લાસરૂમની એક એક બેન્ચ સેનેટાઇઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા તેમને હેન્ડ સેનિટાઈઝર આપવામાં આવશે. એક બિલ્ડિંગમાં 10 બ્લોક રાખવામાં આવશે. ભીડ એકત્રિત ના થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ધો.12ના વર્ગો શરૂ કરવાના અંગે શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?
મોટાભાગની સ્કૂલોએ 29 જૂલાઇથી તૈયારીઓ દર્શાવી
કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ ઓછા થતા ગુજરાત સરકાર દ્વારા 15 જુલાઈથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગુરૂવારથી ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, જે જોતા મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 28 જુલાઈ સુધી ચાલશે. આ હેતુથી 29 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો શરૂ થાય તે પ્રકારની તૈયારીઓ સ્કૂલ સંચાલકોની છે.