ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના યુથ પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ સિંહ વાઘેલાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ આજે મંગળવારે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા ( vishwanath singh vaghela join bjp) છે. ઉલ્લેખનીય છે કે આજે મંગળવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિશ્વનાથ સિંહ વાઘેલા અને યુવા કોંગ્રેસના અન્ય યુવા નેતાઓ ભાજપમાં જોડાવાના હતા, પરંતુ આ કાર્યક્રમમાં ખૂબ જ ઓછી સંખ્યા હોવાના કારણે પાટીલ હાજર રહ્યા ન હતા. આથી, ભાજપના મહામંત્રીની હાજરીમાં તેઓને ભાજપનો ખેસ અને ટોપી પહેરીને ભાજપ પ્રવેશ કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
ખૂબ ઓછી સંખ્યા, ખુરશીઓ પાછી લેવી પડી : વિશ્વનાથ સિંહ વાઘેલાના ભાજપમાં જોડાવા પહેલા અઢી હજાર જેટલા સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતો થઈ હતી. આથી, ભાજપના કાર્યાલયમાં સંપૂર્ણ રીતે તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ વિશ્વનાથ સિંહ વાઘેલા પોતાના સમર્થકો સાથે ભાજપ કમલમ પહોંચ્યા બાદ, ખૂબ જ ઓછી સંખ્યામાં સમર્થકો હોવાના કારણે ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી. આ બાદ, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખાલી પડેલી 100 થી વધુ ખુરશીઓ પરત કાર્યાલયમાં મુકવાનો વારો આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓછા લોકો હોવાને કારણે જ સીઆર પાટીલ હાજર ન રહ્યા હોવાની વાતો પણ સામે આવી રહી છે.
રઘુ શર્માના પુત્ર પ્રેમના કારણે યુથ કોંગ્રેસ વિખાઈ : કોંગ્રેસમાં જૂથબંધીના કારણે પૂર્વ યુવા નેતા વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સાથે જ, વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતમાં હાલના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પોતાના પુત્ર પ્રેમના કારણે ગુજરાત યુથ કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ કરી નાખી છે, રઘુ શર્મા પોતાના પુત્ર સિદ્ધાર્થ શર્માને યુથ કોંગ્રેસમાં અધ્યક્ષનું સ્થાન આપવા છેલ્લા ત્રણ મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને યુથ કોંગ્રેસ દ્વારા કોઈ એક્શન પ્લાન કે આયોજન લઈને રજૂઆત કરવામાં આવે તો તેઓ તેને નકારી કાઢતા હતા. બુથ મેનેજમેન્ટમાં પણ તેઓ કોઇ પ્રકારની જવાબદારી યુથ કોંગ્રેસને આપતા ન હોવાના આક્ષેપ પણ વાઘેલાએ કર્યો હતો.
સભ્ય બનાવવા પૈસાની ઉઘરાણી : વિશ્વનાથ સિંહ વાઘેલાએ NSUI માં સભ્ય બનાવવા માટે પૈસાની ઉઘરાણી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે સભ્ય બનાવવાના કોંગ્રેસને ચાર કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જો કોંગ્રેસ તે બાબતે કોઈપણ ખુલાસો કરવા માંગે તો તેમને હિસાબ સાથે તમામ પુરાવા આપવાની વાત પણ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, એક સભ્ય પાસેથી 50 રૂપિયા પ્રતિ સભ્ય ફી ઉઘરાવવાની સિસ્ટમ કોંગ્રેસમાં છે, જ્યારે ભાજપમાં આવી કોઈ પણ પ્રકારની સિસ્ટમ નથી.
કોંગ્રેસના ભુક્કા નીકળશે : વાઘેલા વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસનો વિજય થશે તો પણ બે મહિનાની અંદર સરકાર પડી જશે, જે રીતે કોંગ્રેસમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રથમ નિવેદન આપ્યું હતું કે, અમે ભુક્કા કાઢવા માટે આવ્યા છીએ, ત્યારે આ કોંગ્રેસના જ ભુક્કા કાઢવા માટે જગદીશ ઠાકોરની નિમણૂક કરાઈ છે. વિધાનસભાની બહાર વાઘેલા દ્વારા સરકારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના કહેવાથી જ સરકારનું પૂતળું બાળ્યું હતું, પરંતુ હવે છ મહિના પછી ભાન થઈ રહ્યું છે કે, તેઓ ખોટા હતા..