- કોરોનામાં ચૂંટણીનું પ્રચાર અભિયાન બદલાયું
- મોટી રેલીઓથી બચવા અપનાવ્યા અલગ રસ્તાઓ
- ડોર-ટૂ-ડોર અને ડિજિટલ પર વધુ ભાર અપાશે
ગાંધીનગર: કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ચૂંટણીને પણ ગણતરીના જ દિવસો બાકી છે. આ વખતે ચૂંટણી પ્રચાર બિલકુલ અલગ રીતે જોવા મળશે. જેમાં ત્રિ-પાંખિયા આ જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ-અલગ વ્યૂહ રચના બનાવી છે. કેટલીક પાર્ટીઓ દ્વારા ડોર-ટૂ-ડોર પ્રચારનું કાર્ય અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ આમદમી પાર્ટી પ્લે કાર્ડ સાથે, ભાજપ ડોર-ટૂ-ડોર તો કોંગ્રેસ ડિજિટલ પ્રચાર પર ભાર મૂકશે. કોંગ્રેસે તો આ માટે તમામ વોર્ડમાં ફરવા માટે વાન પણ બનાવી છે.
આ પણ વાંચો: કેરળની એક રેસ્ટોરામાં પીરસાઇ રહ્યા છે, પાર્ટી ચિહ્ન વાળા ઢોસા
કોંગ્રેસ મેનિફેસ્ટો માટે બે વાન તૈયાર કરશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના સ્ટેટ કો-ઓર્ડિનેટર અશ્વિનસિંહ ટાપરિયાએ કહ્યું કે, કોંગ્રેસે કોરોનાનું સંક્રમણ ફેલાવતું અટકાવવા માટે આ વર્ષે પ્રચારમાં ગાંધીનગરમાં અલગ જ પ્રકારની વ્યૂહ રચના બનાવી છે. જેમાં કોંગ્રેસે મેનિફેસ્ટો માટે સ્પેશિયલ બે વાન તૈયાર કરાવડાવી છે. જે આગામી બે દિવસમાં ગાંધીનગરમાં ફરશે. જેમાં વીડીયો, ઓડિયો હશે જેની અંદર ગાંધીનગરને સ્પર્શતા મુદ્દાઓ આ વીડિયોમાં જોવા મળશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચારનો પૂરજોશમાં પ્રચાર થતો જોવા મળશે. ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા વોર્ડ રૂમ સોશિયલ મીડિયા માટે તૈયાર કરાવડાવ્યા છે. આ ઉપરાંત ડોર-ટૂ-ડોર પ્રચાર કરતા ઉમેદવારો પણ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જોવા મળશે.
ચાર રસ્તા પર ઉભા રહી આમ આદમી પાર્ટી દ્વારા પ્લેકાર્ડ સાથે ચૂંટણી પ્રચાર શરૂ
આમ આદમી પાર્ટી દ્વારા ચાર રસ્તા પર ઉભા રહી પ્લેકાર્ડ સાથે ચૂંટણી પ્રચારનો આરંભ કરાયો છે. જે માટે સુરતના આપના સૌથી યંગ કોર્પોરેટર પાયલ પટેલ પણ અન્ય કોર્પોરેટર સાથે ગાંધીનગરમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. જેમણે કહ્યું હતું કે, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ એક સાથે વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે અમે આ રીતે ગાંધીનગરમાં પ્રચાર કરી રહ્યા છીએ. આપના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી તુલી બેનર્જીએ કહ્યું કે, શહેરના ચાર રસ્તાઓ, મોલ, ગાર્ડન વગેરે જેવા સ્થળે અમે ઉભા રહી પ્લેકાર્ડ સાથે આ રીતે પ્રચાર કરશું. આ ઉપરાંત ડોર-ટૂ-ડોર પ્રચાર પણ કરશું. લોકોના વોર્ડમાં જઈ કોઈ સમસ્યા છે તે જાણવાનો પ્રયત્ન ચૂંટણી પ્રચારમાં કરીશું.
આ પણ વાંચો: આધુનિક સમયમાં પણ હાથ લારી બની રહી છે ચૂંટણી પ્રચારનું માધ્યમ
ભાજપ ડોર-ટૂ-ડોર પ્રચાર અને વર્ચ્યુઅલ મિટીંગ કરશે
ગાંધીનગરના ચૂંટણી પ્રભારી અમિત ઠાકરે કહ્યું હતું કે, વધતા કોરોના કેસને લઈને ડોર-ટૂ-ડોર પ્રચાર કરશું. આ ઉપરાંત વર્ચ્યુઅલ મિટીંગ પર વધારે ભાર આપશું. જેમાં મહત્વના મુદ્દા ઉપર ગાંધીનગરને લગતી વોર્ડ પ્રમાણેની સમસ્યાઓના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોરોના ન ફેલાય અને પ્રચાર પણ ચાલુ રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. તે પ્રકારનો પ્રયત્ન અમારા પ્રચાર અભિયાનમાં કરવામાં આવશે. જે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધારે કરશું. લોકોની સમસ્યા જાણવા માટે તેમને ડિજિટલ રીતે જોડશું અને તેમને સાંભળશું.