ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે સોમવારના રોજ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં શૈક્ષણિક સંઘના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે શિક્ષકોને રક્ષણ મળવું જોઈએ કે નહીં તેના ઉપર પણ વિગતવાર ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ જે.પી.પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવી નથી. જેથી એડમિશન પણ અત્યારે થઈ રહ્યા નથી. રાજ્ય સરકાર વર્ગ ઘટાડવાની જે વાત કરી રહી હતી, તે વર્ગ ઘટાડાની શરૂઆત પણ માર્ચ મહિના બાદ જ થાય તેવી રજૂઆત કરાઈ છે. જે સરકારે માન્ય રાખી છે.
અભ્યાસક્રમ બાબતે પટેલે જણાવ્યું કે, કોવિંડના કારણે તમામ શાળાઓ બંધ છે, ત્યારે શાળાઓ શરૂ થાય ત્યારે કેટલો અભ્યાસક્રમ આપવો અને કેટલો અભ્યાસક્રમ ભણાવો તે અંગેની ચર્ચા આગામી બેઠક જ્યારે પણ યોજાશે ત્યારે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 30 ટકા અભ્યાસક્રમમાં કાપ મૂકવાની વાત કરી છે, ત્યારે આ 30 ટકા પહેલાં પ્રથમ સેમેસ્ટરમાં અથવા તો બીજા સેમેસ્ટરમાં અને ક્યા સેમેસ્ટરમાં 30 ટકા કાપ મૂકવો તે અંગેની વિગતવાર ચર્ચા થયા બાદ જ નિર્ણય કરવામાં આવશે.
આ બેઠક બાદ શિક્ષણ સંઘના પ્રમુખે જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નો બાબતની સોમવારના રોજ બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળાને ગ્રાન્ટ આપવા બાબતે પણ ચર્ચા થઈ છે. કોરોનાની અસરને કારણે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની ગ્રાન્ટ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે શિક્ષકોની નોકરી સળંગ 5 વર્ષ કરાય તે બાબતે ટૂંક સમયમાં જ પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે કે, હવે શિક્ષકોની 5 વર્ષની નોકરી સળંગ કરવાનો પણ રાજ્ય સરકારે પ્રસ્તાવ સ્વીકાર કર્યો છે, જ્યારે બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીના પ્રશ્ન હતો તે પણ હલ થાય તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આમ રાજ્યના શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્ન મુદ્દે સોમવારના રોજ રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ દાખવી હોવાની વાત પણ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ જે.બી પટેલે કરી હતી, જ્યારે કોરોનાને ધ્યાનમાં લઈને શાળાઓ ક્યારે શરૂ થશે અને તેનો અભ્યાસ કેવી રીતના હશે તે હવે આગામી બેઠક યોજ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.