- રાજ્યસભાના પૂર્વ સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી 2 બેઠકો ખાલી પડી
- આગામી સમયમાં ખાલી પડેલી બેઠક પર યોજાશે ચૂંટણી
- ભાજપે દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયાનાનું નામ જાહેર કર્યું
ન્યૂઝ ડેસ્કઃ રાજ્યમાં 2 વરિષ્ઠ નેતાઓનું નિધન થતાં રાજ્યસભામાં 2 જગ્યાઓ ખાલી પડી છે. આગામી સમયમાં રાજ્યસભાની ખાલી પડેલી ગુજરાતની 2 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેને અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટના રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિનું નામ સામેલ છે.
અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને ફટકો
રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને કોરોના સંક્રમણ થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં, પરંતુ કોરોના વાઇરસના કારણે તેમના શરિરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. જેથી તેમણે કોરોના સામે જીંગદીગીની લડાઈ હારી હતી. 25 નવેમ્બર, 2020ના રોજ તેમનું નિધન થયું હતું. અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજ કોરોનાથી થયા હતા સંક્રમિત
ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે પ્રથમ રાજકોટ સિવિલ ત્યાર બાદ વધુ સારવાર માટે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબો દ્વારા આપવામાં આવેલી લાંબી સારવાર બાદ પણ સ્વસ્થ ન થતાં તેમનું નિધન થયું હતું. 01 ડિસેમ્બર, 2020ના રોજ તેમનું નિધન થયું હતું.
રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા
ભાજપના કાર્યકર્તા દિનેશ પ્રજાપતિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભાજપે ફરી એકવાર સાબિત કર્યુ છે કે, નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પાર્ટીમાં કદર કરીને તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અને બૂથ લેવલના કાર્યકર્તા એવા દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. ગત 40 વર્ષથી ભાજપ માટે કામ કરતા દિનેશ પ્રજાપતિને જિલ્લાથી લઈને રાજ્ય લેવલે અલગ-અલગ ફરજ નિભાવી ચૂક્યા છે. આજે જ્યારે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે, ત્યારે તેમણે ભાજપના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો.
દિનેશ પ્રજાપતિનો ઇતિહાસ
મુળ અનાવાડીયાના દિનેશ પ્રજાપતિનો જન્મ 28/07/1962ના રોજ થયો હતો. તે ભાજપના કન્વીનર, જિલ્લા ભાજપના મહામંત્રી, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કોષાધ્યક્ષ, બનાસકાંઠા યુવા ભાજપના પ્રમુખ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમજ બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રમુખ તરીકે કાર્યરત છે.
રામ મોકરિયાનો ઈતિહાસ
ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેક માટે રામ મોકરિયાનું નામ જાહેર કર્યું છે. રામ મોકરિયા વેપારી છે. તેમને સારો અનુભવ હોવાથી પાર્ટીને તેમના કારણે ઘણો ફાયદો મળી શકે છે, ત્યારે રામ મોકરિયા સાથે ETV BHARATની ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'પાર્ટી કહેશે તેવી રીતે કામ કરીશ' ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો પર 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બન્ને બેઠકો પર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની 2 બેઠકો પર દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયાનું નામ જાહેર કર્યું છે. રામ મોકરિયા ABVP કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે. તે મારુતિ કુરિયરના મલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.
કોંગ્રેસ હથિયાર હેઠા મુકશે?
રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 ઉમેદવારો જાહેર કરવામાં આવતાં હવે તમામ લોકોની મીટ કોંગ્રેસ પર મંડરાઈ છે. કોંગ્રેસ પાર્ટી પણ ટૂંક સમયમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરશે કે કેમ? સૂત્રોની માનીએ તો હાલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ખાલી રહેલી 2 બેઠકો માટે ઉમેદવાર ઉતારશે નહીં. જો કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તો ભાજપના બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થશે.