ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે, ત્યારે આ રોગને લઈને વેન્ટિલેટરની મોટા પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ છે. આ રોગમાં ગંભીર પરિસ્થિતિમાં દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરુર પડે છે. અછતની સ્થિતિમાં રાજકોટની જ્યોતિ સી.એન.સી દ્વારા વેન્ટિલેટર ધમણ 1 બનાવવામાં આવ્યું છે. જેને સરકાર દ્વારા માન્યતા આપવામાં આપવામાં આવી છે પરંતુ આ વેન્ટિલેટર સારવારમાં ઉપયોગી ન હોવાના આક્ષેપો થતાં આરોગ્ય વિભાગના અગ્ર સચીવે તેને લઇને ખુલાસા કરવા પડ્યાં છે. તેવા સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલા 10 વેન્ટિલેટરના 40 દિવસ બાદ પણ શ્રીગણેશ કરાયા નથી.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ દ્વારા આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ધમણ 1 વેન્ટિલેટર બાબતે ખુલાસા કરવામાં આવ્યાં હતાં. પરંતુ જે કેમ્પસમાં બેસીને ખુલાસા કરવામાં આવ્યા છે તે હોસ્પિટલમાં જ 40 દિવસથી આપવામાં આવેલાં 10 વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ વેન્ટિલેટરનો ઉપયોગ કરવો હોય તો કોમ્પ્રેસર હોવું જરૂરી છે, જ્યારે બેટરી બેકઅપ પણ તેટલો જ મહત્વનો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધમણ એક વેન્ટિલેટર કોરોના વાયરસમાં બિલકુલ ઉપયોગી નથી. બેટરી બેકઅપ નહી હોવાના કારણે જો દર્દીને તેના ઉપર રાખવામાં આવ્યો હોય અને વીજળી ગુલ થઈ જાય તેની સાથે જ તે દર્દી પણ ડૂલ થઈ શકે છે. તેને લઈને જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે સ્થિતિમાં વેન્ટિલેટર આપવામાં આવ્યાં છે તે જ સ્થિતિમાં પડી રહ્યાં છે. આરોગ્ય અગ્ર સચીવ સિવિલના ઓડિટોરિયમમાં બેસીને તેની વાહવાહી કરીને ગયાં છે. ત્યારે ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પણ તે સમયે હાજર હતાં.