- પહેલા દિવસ કરતાં 50 ટકા ઘટાડો
- 10 સેન્ટરો પરથી અપાઈ રહી છે વેક્સિન
- શિડ્યુલના બહાને લોકોને પાછા મોકલાય છે
ગાંધીનગર: 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોના વેક્સિનેશનના પ્રથમ દિવસે ગાંધીનગર સિટીના એક જ સેન્ટર પર 200 જેટલા વેક્સિનના ડોઝ અપાતા હતા. જે હાલમાં ઘટીને 100 જેટલા કરવામાં આવ્યા છે. લોકો રજીસ્ટ્રેશન તો કરાવે છે, પરંતુ તેમને શિડ્યુલ મળ્યું ન હોવાથી વેક્સિન મળી રહી નથી. જેના કારણે ઘણા યુવાનોનું મન પણ વેક્સિન લેવા માટે બદલાઈ રહ્યું છે.
પ્રથમ દિવસે ગાંધીનગરમાં 1917 લોકોએ વેક્સિન લીધી હતી
ગાંધીનગરમાં પ્રથમ દિવસે 10 સેન્ટરો પર 1917 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે 953 લોકોને અને ત્રીજા દિવસે 967 લોકોને વેક્સિન અપાઈ હતી. અત્યાર સુધી ત્રણ દિવસમાં કુલ 3738 લોકોને વેક્સિન આપવામાં આવી છે. મોટી સંખ્યામાં યુવાનોએ શિડ્યુલ ન મળવાના કારણે પાછા ફરવું પડ્યું હતું. એક જ સેન્ટર પર અત્યારે વેક્સિનની 15 જેટલી વાયલ ઉપલબ્ધ હોય છે. જેથી શિડ્યુલ મળ્યું ન હોવાથી સેન્ટર પર માત્ર 100 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે.
જેટલા લોકો વેક્સિન લે છે, તેનાથી વધુ લોકો પાછા ફરે છે
વેક્સિનેશનની જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, હાલમાં વેક્સિનના અપૂરતા જથ્થાના કારણે રોજના આવી રહેલા સરેરાશ 300 જેટલા લોકો પૈકી માત્ર 100 જેટલા લોકોને જ વેક્સિન મળી શકે છે. જ્યારે, બાકીના 200 જેટલા લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતા માત્ર શિડ્યુલ ન મળવાથી પરત ફરવું પડે છે. તંત્ર દ્વારા પણ વેક્સિનના જથ્થા મુજબ લોકોને શિડ્યુલ આપવામાં આવી રહ્યા છે.