- સરકારી તમામ કચેરી, સચિવાલય, રાજભવન અને મંત્રી નિવાસસ્થાનના ટેક્સ બાકી
- છેલ્લા અનેક વર્ષોના પ્રોપર્ટી ટેક્સ બાકી
- કરોડો રૂપિયાનો ટેક્સ બાકી
ગાંધીનગર: સામાન્ય નાગરિકના જો માલમિલકતને ટેક્સ બાકી હોય તો કોર્પોરેશન દ્વારા જે તે વ્યક્તિની પ્રોપર્ટીને સીલ કરી દેવામાં આવે છે. પરંતુ ગાંધીનગર કોર્પોરેશન હસ્તક આવતા રાજ ભવન સચિવાલય અને અન્ય સરકારી બિલ્ડિગોના ટેક્સ છેલ્લા અનેક વર્ષોથી બાકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કોઇ પ્રકારની કડક કામગીરી ન કરાઇ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફક્ત નોટિસ આપીને જ ગાંધીનગર કોર્પોરેશન સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
25 કરોડથી વધુનો ટેક્સ બાકી ?
ગાંધીનગરમાં સચિવાલય, રાજ ભવન, મુખ્યમંત્રી નિવાસસ્થાન અને અન્ય પ્રધાનના નિવાસ સ્થાનો આવેલા છે, પરંતુ આ તમામ પાસેથી કોર્પોરેશન દ્વારા ટેક્સ વસૂલાત ન થતો હોવાનું ગુરૂવારની બેઠકમાં સામે આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાને આ બાબતનો પ્રશ્ન પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ તમામ પ્રશ્નો બિલ્ડીંગ વિભાગના હસ્તક છે તેઓ તેમની કામગીરી કરી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નવી સચિવાલય, જૂની સચિવાલય, વિધાનસભા રાજ ભવન અને મંત્રી નિવાસસ્થાનના તથા અન્ય સરકારી કચેરીના 25 કરોડથી વધુ ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય માણસોનો જો ટેક્સ બાકી હોય તો કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે અત્યારે તો કોર્પોરેશન દ્વારા ફક્ત સરકારી કચેરીઓને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે જોવું રહ્યું ?