ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધા મળતી હોવાની વાતને લઈ અમદાવાદથી મોટાભાગના કોરોના પોઝિટિવ સારવાર મેળવવા આવી રહ્યાં છે. તેની સાથે હવે ગાંધીનગર જિલ્લામાં પણ કોરોના વાઇરસનો બોમ્બ ફૂટયો છે. તેને લઈને અનેક દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. ત્યારે સિવિલમાં છેલ્લાં બે દિવસમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ 10 દર્દીઓના મોત થયાં છે. જે હોસ્પિટલની બેદરકારી પણ દર્શાવે છે સિવિલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, જ્યારે વેન્ટિલેટરની પણ અછત છે.
ગાંધીનગર સિવિલમાં ટપોટપ મરતાં કોરોનાનાં દર્દીઓ, 2 દિવસમાં 10 મોત ચિંતાનો વિષય ગાંધીનગર સિવિલમાં છેલ્લા બે દિવસમાં જે મોત થયાં છે તેમાં કલોલ પૂર્વ વિસ્તારમાં રહેતો 45 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ, નારદીપુરમાં રહેતો 70 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ, કડી પાસે આવેલા રાજપુરમાં રહેતો 32 વર્ષીય યુવક કોરોના પોઝિટિવ, વિજાપુરમાં રહેતો 55 વર્ષીય પુરુષ જે કોરોના શંકાસ્પદ હતો. ગાંધીનગર પાસે આસોડિયાના જામનગરપુરામાં રહેતો 50 વર્ષીય પુરુષ, ચાંદખેડા ડીકેબીનમાં રહેતો 58 વર્ષીય પુરુષ શંકાસ્પદ હતો. દહેગામના ખાડિયા ડુંગરીવાળા કૂવા પાસે રહેતો 70 વર્ષી પુરુષ, માણસાના અનોડીયામાં રહેતી 45 વર્ષીય સ્ત્રી કોરોના શંકાસ્પદ હતી અને એક 75 વર્ષીય અજાણ્યા પુરુષે દમ તોડયો હતો.