- બે વર્ષમાં માત્ર 2 વખત જ લેન્ડ કમિટી બેઠક યોજવામાં આવી
- ઉદ્યોગોને 5 કરોડ 95 લાખ 96 હજાર 229.95 ચોરસ મીટર સરકારી જમીન ફાળવાઈ
- 31 જિલ્લાના ગરીબ મજૂરોને સરકારી પડતર જમીન ફાળવવા નથી યોજાઈ બેઠક
ગાંધીનગર: રાજ્યમાં સરકાર પડતર પડેલી જમીન ગરીબોને ખેતી માટે આપવા વાયદાઓ કરી રહી છે. પરંતુ છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો લેન્ડ કમિટીની બેઠક માત્ર બે જ વખત યોજવામાં આવી છે. રાજ્યના 2 જિલ્લામાં ગરીબ ખેડૂતોને ખેતી માટે જમીન આપવામાં આવી છે. જેમાં 13 લાખ ચોરસ મીટર જમીન ખેડૂતોને વાવવા માટે આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે
ભરૂચ અને મહિસાગર જિલ્લામાં માત્ર જમીન ફાળવવામાં આવી
વિધાનસભામાં કોંગ્રેસે છેલ્લા બે વર્ષમાં કેટલી સરકારી પડતર જમીન અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ખેત વિહોણા ખેત મજૂરોને ફાળવવામાં આવી છે તે અંગે પ્રશ્નો પૂછ્યો હતો. જેને લઈને વિધાનસભામાં સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 2 વખત લેન્ડ કમિટીની બેઠક યોજવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લામાં 15 વ્યક્તિઓને સરકારી પડતર જમીન ફાળવવામાં આવી છે. તો બીજા મહિસાગર જિલ્લામાં લેન્ડ કમિટીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 139 લોકોને સરકારી પડતર જમીન ફાળવવામાં આવી છે. બંને જિલ્લામાં થઈને કુલ 13 લાખ ચોરસ મીટર જમીન ખેતી માટે ફાળવવામાં આવી છે. જ્યારે રાજ્યના 31 જિલ્લામાં કોઈપણ જાતની જમીન ખેતી માટે ફાળવવામા ન આવી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 107 કરોડ ચોરસ મીટરથી વધુ જમીન વેચી- ભાડે આપી
સરકારી જમીન પાણીના ભાવે આપી દેવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો
રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ખેત મજૂરો માટે સરકારી પડતર જમીન ખેતી માટે આપવા માટે 31 જિલ્લામાં એક પણ બેઠક યોજી નથી. જેની સામે સરકારે ઉદ્યોગોને જુદા જુદા હેતુઓ માટે 5 કરોડ 95 લાખ 96 હજાર 229.53 ચોરસ મીટર સરકારી પડતર જમીન ફાળવી છે. રાજ્યના નાના અને ગરીબ વર્ગને ખેતી માટે જમીન ફાળવવા બે વર્ષમાં એક પણ બેઠક મળી નથી. ઉદ્યોગોની રાતોરાત ફાઇલ ક્લિયર કરાવી સરકારી જમીન પાણીના ભાવે આપી દેવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.