સેક્ટર-30 છ ટાઈપમાં બ્લોક નં-126/1 ખાતે રહેતા અમરતભાઈ માંગલીક કમાન્ડો તરીકે CMની સિક્યુરિટીમાં સીએમ આવાસ પાસે આઉટર ગેટ પર ફરજ બજાવે છે. અમરતભાઈની 17 વર્ષીય પુત્રી મયૂરિકા સોમવારે 12 વાગ્યાના સુમારે મોપેડ લઈને પિતાને ટિફિન આપવા નીકળી હતી. સેક્ટર-30થી નીકળી મયૂરીકા અક્ષરધામ સામેના રોડ પરથી જતી હતી, ત્યારે પાર્કિંગ પાસે મોપેડ પરથી તેને કાબૂ ગુમાવ્યો હતો. મોપેડ ડિવાઈડર સાથે ઘસાતા રોડ પર પટકાઈ હતી અને તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ ઘણુ લોહી વહી ગયું હતું. જે બાદ દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઘાયલ યુવતીને ગાંધીનગર સિવિલ ખસેડી હતી.
જ્યારે હાજર ડૉક્ટરોએ કલાક સુધી તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ મોંઢા-માથાના ભાગે ગંભીર ઈજા અને વધુ પડતું લોહી વહી જતા તેનું મોત થયું હતું. 17 વર્ષીય મયૂરિકા 10માં ધોરણ સુધી અભ્યાસ કરીને ઘરે જ હતી. સોમવારે અક્ષરધામ બંધ રહે છે, જેને પગલે તેની સામે આવેલું બજાર પણ બંધ હતું. એકલ દોકલ વેપારીઓ હતા પણ અકસ્માતના કારણ અંગે અજાણ હતા. જેને પગલે PSI સહિતની પોલીસ ટીમે CCTV ચેક કરતાં યુવતીએ સ્પીડમાં કાબૂ ગુમાવતા અકસ્માત થયાનું સામે આવ્યું હતું.