ગાંધીનગરઃ આજે મંગળવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ શહેરના પોલીસ કમિશનર, SP અને રેન્જ IG સાથે વીડિયો કૉન્ફરન્સથી ચર્ચાઓ કરી હતી. વીડિયો કોન્ફરન્સ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યને સર્વોત્તમ બનાવવા માટે કાયદો અને વ્યવસ્થા મહત્વની છે. પ્રજાને સતત પ્રતીતિ થાય કે, પોલીસ સદા તેમની સાથે છે, તેવા વિચારો સાથે અને અસામાજિક પ્રવૃત્તિ સામે સખ્તાઈથી પગલા ભરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનર, રાજ્યના વિવિધ રેન્જના IG તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડાએ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે કરી છે તેની પણ પ્રશંસા મુખ્ય પ્રધાને કરી હતી. જ્યારે લોકડાઉનમાં પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પોલીસ દળને સમય સાથે ચાલવા સજ્જ કર્યું છે અને સાયબર ક્રાઇમ, CCTV નેટવર્ક, વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ અને સંશોધનમાં પણ ઝડપ આવી છે. જ્યારે પોલીસ દળની નવી ભરતીમાં જે યુવાનો આવ્યા છે તે ટેકનોસેવી છે. તેમની સેવાઓ આ હેતુસર વ્યાપક પ્રમાણમાં લેવાય તે માટે પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે જ રાજ્યમાં ક્રાઇમ રેટ ન વધે તેની પણ કાળજી રાખવાની તાકીદ મુખ્ય પ્રધાને પોલીસ અધિકારીઓને કરી હતી.