ગાંધીનગર : રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનેક આર્થિક વ્યવહાર બંધ થયા હતા, ત્યારે ગુજરાતની ફરીથી દોડતું કરવા રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતની સાથે આત્મનિર્ભર ગુજરાતની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલોપમેન્ટ(નાબાર્ડ)ના ચેરમેન ચિંતાલા સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતને કૃષિ સિંચાઈ મહિલા ઉત્કર્ષ ફિશરીઝ હોટલ જેવી યોજનામાં નાબાર્ડની સહાય મદદરૂપ બનશે, તેવી પણ સંભાવના રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.
નાબાર્ડના ચેરમેન ચિંતાલા સાથેની બેઠક બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં અગ્રીમ રાજ્ય છે અને ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ છે. નાબાર્ડની RIDF, વેરહાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈક્રો ઈરીગેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે રાજ્ય સરકારને માતબર નાણા ભંડોળથી સહાય આપે છે. જ્યારે કૃષિ સિંચાઈ ફિશરીઝ અને મહિલા ઉત્કર્ષની યોજનાઓમાં નાબાર્ડની સક્રિય ભાગીદારીથી આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત કરવાની સરકારની નેમ આ અવસરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ દરમિયાન નાણાના અભાવે વિકાસના કોઈ કામ અટકે નહીં અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ પૂરા થાય તે દિશામાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોમાં નાબાર્ડ દ્વારા ઉત્કૃષ્ટ યોગદાન અપેક્ષિત છે. જ્યારે નાબાર્ડના ચેરમેને ગુજરાતની પ્રખ્યાત કેસર કેરી ખેડૂતો સીધા જ યુરોપના દેશોમાં નિકાસ કરી શકે તે દિશામાં ટેકનોલોજી અને યુવી રેડિએશનની સુવિધા સાથે કરવાનો સુજાવ પણ આપ્યો હતો.
નાબાર્ડના ચિંતાલા ચેરમેને જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે નાબાર્ડ દ્વારા 39 FPO (ફાર્મસ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન) શરૂ કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં સૌની યોજના પૈકી અત્યાર સુધી 9 હજાર કરોડનું કામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વિવિધ સિંચાઇ યોજનાઓ માટે પણ 16,000 કરોડ રૂપિયા રાજ્ય સરકારને નાબાર્ડના સહયોગથી અત્યાર સુધી મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રાયબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રાજ્યના આદિજાતિ જિલ્લામાં પ્રોજેક્ટ માટે 180 કરોડ રૂપિયા નાબાર્ડે ફાળવ્યા છે. તેમજ 13 આદિજાતિ જિલ્લાના 43,000 પરિવારોને લાભ આપવામાં આવ્યો છે, તે બાબતની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યની બનાસ ડેરી, સાબર ડેરી, મધર ડેરી તથા અમુલ ડેરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પણ સહાય આપવામાં આવી હોવાની માહિતી નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ આપવામાં આવી હતી.