- આજે ગુજરાતીઓનું નવું વર્ષ
- મુખ્યપ્રધાન રૂપાણીએ નવા વર્ષ નિમિતે પંચદેવ મંદિરના દર્શન કર્યા
- આ વર્ષે સ્નેહમિલન સમારોહ રદ
ગાંધીનગરઃ રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં નવા વર્ષે સેક્ટર 22થી પંચદેવ ભગવાનના દર્શન કરવામાં આવતા હતા. ત્યારબાદ સ્નેહમિલન સમારોહ રાજભવનમાં યોજાતો હતો અને ત્યાર પછી અમદાવાદમાં આવેલા ભદ્રકાળી માતાના મંદિરના દર્શનાર્થે જતા હતા.
રાજભવનમાં યોજાતો સ્નેહમિલન સમારોહ રદ
ચાલુ વર્ષે કોરોના વાઇરસના કારણે મોટાભાગના મેળાવડાઓ અને વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ જ કારણોસર રાજભવનમાં સ્નેહમિલન સમારોહ પણ મુખ્યપ્રધાને રદ કર્યો છે. પરંતુ પત્ની અંજલીબેન સાથે શહેરના પંચદેવ મંદિરે પૂજા કરવાની પરંપરા જાળવી રાખી હતી.
તહેવારોમાં આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે નાગરિકો ભીડ એકઠી ના કરે અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહે, રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના કારણે સંપૂર્ણ સજ્જ છે અને સંક્રમણ ઉપર કાબૂ મેળવી શકાય તે માટે તબીબી કર્મીઓને ખડે પગે રાખવામાં આવ્યા છે.
મેયર રીટા પટેલ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા
રૂપાણીએ ભગવાન પંચદેવની પૂજા કરી સુખ-સમૃદ્ધિથી ભરપુર અને રાજ્યની વિકાસયાત્રા આગળ વધે પ્રાર્થના કરી હતી. આ સમયે ગાંધીનગરના મેયર રીટા પટેલ, પૂર્વ ચેરમેન આશિષ દવે, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ સહિતના કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા.