ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં 6 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી અને 3173 જેટલા કેન્દ્રો પર સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી આગેવાનો દ્વારા ગેરરીતિમા 10 મોબાઇલ, CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા. જેની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ વીડિયો ફૂટેજની તપાસ વિદ્યાર્થી આગેવાનોની હાજરીમાં કરી હતી.
મોબાઇલ ફોન તપાસ અર્થે FSLને મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓની તપાસ આગેવાનોની ઉપસ્થિતિમાં FSLની મદદ લઇને કરી છે. જેમાં CCTV ફૂટેજની ચકાસણીમાં કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓ મોબાઇલથી પેપર લખતા હોવાના દ્રશ્યો, એક-બીજાને પૂછીને લખતા હોય તેવા દ્રશ્યોના પુરાવાઓ મળ્યા છે. તેની સંપૂર્ણ ન્યાયિક તપાસ FSLની મદદથી કરવામાં આવી છે. જેના આધારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પરીક્ષાની ગેરરીતિ સંદર્ભે સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે SITના અહેવાલોના તારણોના આધારે પરીક્ષાઓ યોજાશે. બિન સચિવાલય ક્લાર્કની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ લઇ ન જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે. તેમાં CCTV ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરાવવાનો નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય. તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબધ્ધ છે. આગામી સમયમાં પણ આ પરીક્ષામાં પેપર લીકની ઘટના માટે કોઇપણ વ્યક્તિ પ્રેરાય તે માટે પણ ક્રિમીનલ કાર્યવાહી કરાશે. આ ઘટનામાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં ગેરરીતિ અંગે FIR કરવાનો નિર્ણય લીધો છે.